મેરાન્યૂઝ નેટવર્ક, પલક્કડ: દેશના સૌથી શિક્ષિત એવા કેરળ રાજ્યમાં એક આદિવાસી યુવકને ખાવા માટે અનાજ ચોરવા મામલે લોકોએ પકડીને એટલો ઢોર માર માર્યો કે તેનું મોત થઇ ગયુ. યુવકને માર મારવાનો અને આ દરમિયાન લોકો તેની સાથે સેલ્ફી લેતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે.

ભારતમાંથી એક તરફ નીરવ મોદી 11 હજાર કરોડ રૂપિયા, લિકર કિંગ  વિજય માલ્યા 9 હજાર કરોડ રૂપિયાની લોન લઇને વિદેશ ભાગી જાય છે અને તેમનો ભારત સરકાર કે પોલીસ વાળ પણ વાંકો કરી શકતી નથી ત્યારે બીજી તરફ દેશમાં એવી સ્થિતિ જોવા મળી રહી કે એક સમયનું જમવા માટે એક આદિવાસી યુવકને ચોરી કરવી પડે અને ખાવાનુ ચોરવા માટે લોકોએ તેને એટલો માર્યો કે તેનું મોત થઇ ગયુ. જે લોકોને ખાવાનું ચોરનાર પર આટલો ગુસ્સો આવે છે તો દેશના 11 હજાર કરોડ લઇને ભાગી જનાર નીરવ મોદી અને વિજય માલ્યાઓ વિરૂદ્ધ કેમ ગુસ્સો આવતો નથી? કેમ દેશના લોકો રસ્તા પર ઉતરી આવી સરકાર પર દબાણ વધારતા નથી? તે એક વિચારવા જેવો મુદ્દો છે, શું ધનવાન ચોરી કરે તો એ લીલા અને ગરીબ જમવા માટે અનાજ ચોરે તો એ ગુનો છે? કેરળના એક આર્ટિસ્ટે આ ઘટનાનો વિરોધ વ્યક્ત કરતા મધુની માટીની નાની મૂર્તિ બનાવી છે. અન્ય એક આર્ટિસ્ટે મધુનું ચિત્ર દોરીને સમગ્ર ઘટનાને વખોડી કાઢી છે.

કેરળના પલક્કડના અટ્ટાપ્પાડી વિસ્તારમાં એક ટોળાએ 30 વર્ષના આદિવાસી યુવાન મધુને પકડીને માર માર્યો હતો. જેનાથી તેના શરીરની અંદર રક્તસ્ત્રાવ થયો હતો. મધુનો વાંક એ હતો કે તેણે રૂ. 200ના ચોખા અને કરીયાણાની કેટલીક ચીજ ચોરી હોવાનો આરોપ તેના પર મૂકવામાં આવ્યો હતો. કેટલાંક માણસોએ તેના પર લાકડીઓથી માર માર્યો હતો. પછી મધુને પોલીસને સોંપી દેવાયો હતો. પોલીસ તેને હોસ્પિટલ લઈ જઈ રહી હતી ત્યાં જ તે રસ્તામાં મૃત્યું પામ્યો હતો.  જેમ જેમ આ ઘાતકી ઘટના બહાર આવતી જાય છે તેમ ખૂંવાર થઈ ગયેલી વ્યક્તિ તેના માટે બહાર નિકળે છે, અને તે છે મધુની માં, મલ્લી.

મલ્લીએ મીડિયા સાથેની વાતમાં કહ્યું હતું કે ‘જો મારા દિકરાને જંગલમાં કંઈ ખાવાનું મળ્યું હોત તો તે જંગલમાં જીવી શક્યો હોત. મને એ જાણીને આશ્વાસન તો મળત કે તે જીવે છે. પણ અહીં તો તેને રીતસર ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો છે. ‘તે મારા ઘરમાં તો નવ મહિનાથી તો આવ્યો જ નથી. મેં તેને નવ મહિનાથી જોયો પણ ન હતો. મને એવી ખબર પડી હતી કે તેને પોલીસ પકડીને લઈ ગઈ હતી અને જેલમાં પૂરી દીધો હતો. પણ તે પકડાય પણ જાય તો તે થોડા સમયમાં બહાર આવવાની આવડત ધરાવતો હતો.’

આ ઘટનાની સમગ્ર કેરળ રાજ્યમાં લોકોએ સખત ટીકા કરી છે. ટીકા કરવામાં રાજ્યના ડીજીપી લોકનાથ બેહેરા પણ એક છે. તે સ્પષ્ટ રીતે કહે છે કે, લોકોએ કાયદો પોતાના હાથમાં તો ન જ લેવો જોઈએ.  ‘તેણે ચોરી કરી હોય તો પણ લોકોએ આરોપીને પોલીસને સોંપવો જોઈતો હતો. ટોળા દ્વારા હત્યા કરવામાં આવે તેવી ઘટના કેરળમાં ન જ બને. બીજા રાજ્યોમાં તે આવું થઈ શકે છે. કેરળ સમાજ તો એવો નથી જ. આ ઘટના કમનસીબ છે. લોકોએ સંયમ રાખવાની જરૂર હતી,’ તેમ રાજ્યના પોલીસ વડાએ કહ્યું હતું.

બે દુખદ તસવીરો: ભૂખ્યાને માર મારતા લીધી સેલ્ફી: ભૂખમરાથી ત્રસ્ત વિદેશી કિશોર  

આ ઘટના અંગે તરત જ પગલાં ભરવાની ખાતરી આપીને ડીજીપીએ કહ્યું હતું કે, ‘આ ઘટના અંગે પોલીસ પાસે એક વીડિયો છે, તેથી જે ગુનાગાર છે તેને પકડવામાં પોલીસને માટે મુશ્કેલ કામ નથી.’ આ ઘટનામાં સંડોવાયેલાં બે માણસોની ધરપકડ કરી છે, પણ પોલીસની ધીમી કાર્યવાહીની લોકો ટીકા કરી રહ્યાં છે.

આ ઘટનાની સખત ટીકા કરતાં કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓમેનચાંડીએ કહ્યું હતું કે, ‘આટલી આંચકાજનક ઘટના બાદ પણ પોલીસ કેમ કાર્યવાહી કરવામાં ઢીલાશ રાખી રહી છે ? પોલીસને કોઈનો ડર તો નથી ને? સખતમાં સખત પગલાં તુરંત લેવા જ જોઈએ.’

સીપીઆઈ(એમ)ના પ્રદેશ સચિવ કોડિયેરીબાલક્રિશ્નને નિવેદનમાં હુમલાની ટીકા કરતાં કહ્યું હતું કે, ‘આવી ઘટના ઉત્તર ભારતમાં બનેલી એક ખૂની ઘટનાની યાદ અપાવે છે. જ્યાં આરએસએસ અને સંઘ પરિવારનું પ્રભુત્વ છે. ગુનેગારને પકડવા માટે તુરંત કાર્યવાહી કરવી જોઈએ.’

વિરોધ પક્ષના નેતા રમેશચેન્નીથલાએ જણાવ્યું હતું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણપણે ભાંગી પડી છે. આ પૂરી રીતે કેરળ સમાજને માટે અપમાન છે.’

હકીકત તો એ છે કે કહેવાતા એક હુમલાખોરે તો મધુને માર મારતો હોય છે ત્યારે તેની સાથે સેલ્ફી પણ લીધી હતી. એ ફોટામાં મધુના હાથ બાંધેલા છે અને તેના ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યો હોય એવું સ્પષ્ટ દેખાય છે.

પલક્કડના સાંસદ એમ.બી. રાજેશે ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, "અટ્ટાપ્પાડીમાં હત્યાની ઘટના આઘાતજનક અને ખુબજ દુઃખદાયક છે. મરનાર યુવાન આદિવાસી હતો અને તેને માનસિક અસ્થિરતાની સમસ્યા પણ હતી. તેથી આ ઘટના વધારે ગંભીર બની છે. ક્રુરતાપૂર્વક હત્યા કરાઈ છે. તેની સાથે મોબાઈલમાં સેલ્ફી લેવામાં આવે છે.  ‘કેરળને ઉત્તર ભારત બનાવવું ન જોઈએ. આ હત્યા એ લોકશાહી અર્થમાં જમીનના ન્યાયની લાગણી પર હુમલા બરાબર છે. સેલ્ફી લેવામાં આવે તે હિંસાની સંસ્કૃત્તિ પેદા કરી રહી છે.’ તેમ તેમણે કહ્યું

જાણીતા લેખક અને કાર્યકર્તા સરાજોસેફ લખે છે કે, "મલયાલી લોકોનો આ ભયાનક ચહેરો છે. મને અનુભૂતિ કરવામાં ડર લાગી રહ્યો છે કે, ભૂખ અને ગરીબી પ્રત્યે સમૃદ્ધ લોકોનું આ વલણ છે. ... મને એ મા બાપ માટે શરમ આવે છે કે, પોતાના બાળકોને વધુ ખાવાનું અને ફાઈવસ્ટાર હોટેલમાં ખાવાપીવાનું શિખવે છે. મધુ એ શું ચોર્યું છે ? ચોખા ? એનું કારણ તો ભૂખ હતું. ભગવાન ક્યાં છે? ’

ઘણાં લોકો મધુની તસવીરને શેર કરીને કહી રહ્યાં છે કે, ‘ભાઈઓ, મેં ચોરી કરી હતી કારણ કે હું ભૂખ્યો હતો. શું મારે તેના માટે મરવું જરૂરી હતું ?

મધુની આ તસવીરની સાથે બીજી એક પોસ્ટ વાંચવા જેવી છે, ‘તેને શા માટે મારી નાંખવામાં આવ્યો હતો. કારણ કે તેણે ચોરી કરી હતી ? શું તેના માટે મારી નાંખવો જોઈએ ? કેમ કે તે કાળો હતો અને તેના સારા કપડા ન હતા અને વળી ભૂખ્યો પણ હતો? ’

અભિનેતા જોયમેથ્યુએ મધુની હત્યાને વખોડી કાઢવા ફેસબુક પર જણાવ્યું હતું કે, કેરળ રાજ્યએ તેના માથા શરમથી લટકાવી દેવા જોઇએ. "તેઓએ રૂ.200ની ચીજ વસ્તુઓ માટે એક દુકાન લૂંટી લેવાના આરોપમાં તેને મારી નાખ્યો હતો. મધુ કોઈ રાજકીય પક્ષનો ભાગ નથી, તેના માટે કોઈ લડશે નહીં. મધુને મારી નાંખવામાં આવ્યો તેની થોડી ક્ષણ પહેલાં સેલ્ફિ લીધી અને ઉત્સાહથી ઉજવણી કરી તેનાથી આપણે બધા મલયાલી લોકોએ શરમ અનુભવવી જોઈએ.’

લેખિકા સી.એસ. ચંદ્રિકાએ તેમના ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, "કેરળમાં આદિવાસી વસતી માત્ર 4.45 લાખ છે. મધુનું મોત એ સ્પષ્ટ કરે છે કે આદિવાસીઓના વિકાસ માટે તેઓ હાલ ક્યાં છે અને તેમના માટે સરકારી આયોજન કેવું છે. તેનો ઉત્તર સ્પષ્ટ છે કે સેંકડો આદિવાસી બાળકોના મોત માટે તે પ્રતીક છે. એક આદિવાસીનું મરવું એ બીજા માટે પણ સતત એવું થઈ રહ્યું છે. આદિવાસીઓનું જીવન અને મૃત્યુ એ કેરળના વિકાસ માટે ઘોર, માનવ વિરોધી હિંસક ચહેરો બતાવે છે.’

ઘટના અંગે કેરળના મુખ્યમંત્રી વિજયનએ પોતાના ફેસબુક પેજ પર લખ્યુ કે આ એક શિક્ષિત સમાજ માટે અને રાજ્યએ જે રીતે વિકાસ કર્યો છે તેના માટે યોગ્ય રીત નથી. મેં રાજ્ય પોલિસ વડાને આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

કેરળના કલાકાર મામૂટ્ટીએ જણાવ્યુ છે કે તેને આદિવાસી ન કહેશો, હું તેને મારો ભાઇ માનુ છુ. ટોળાએ મારા ભાઇને માર્યો છે. તે એક મનુષ્ય હતો અને તે તમારો ભાઇ કે પુત્ર છે. ભૂખ માટે અનાજ ચોર્યુ તેને ચોર ન કહેવાય. ભૂખ એ સમાજનું સર્જન છે. કાયદાને હાથમાં લેનારા લોકો પોતાને સભ્ય સમાજના સભ્ય કેવી રીતે કહી શકે? મધુ અમને માફ કરી દેજે.

મેરાન્યૂઝ સાથે ટેલિફોનિક વાત કરતા ગુજરાતની વડગામ બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જીજ્ઞેસ મેવાણીએ કેરળની ઘટના આઘાતજનક હોવાનું જણાવી ઉમેર્યું હતું કે કેરળના વિકાસ મોડલને મોટો ફટકો પડ્યો છે. લાલઝંડાવાળી વામપંથીઓની સરકાર એક ભૂખ્યા માણસને ભોજન ન આપી શકે અને તેનું રક્ષણ પણ ન કરી શકે તે શરમજનક બાબત છે. લેનીનની કલ્પના અને આદર્શ પ્રમાણેનું આ સુશાસન નથી. આઝાદીના આટલા વર્ષો પછી પણ રાઇટ ટુ ફૂડ જેવા વિષયની ચર્ચા દેશમાં કરવી પડે તે કમનસીબ બાબત છે. એક માણસ ભુખ્યો હોય અને તેની હત્યા થઇ જાય તે નિંદનીય ઘટના છે.