મેરાન્યૂઝ નેટવર્ક, કોચિ: કેરળનું કોચિ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વિશ્વનું સૌ પ્રથમ એવુ વિમાન મથક છે જે સંપૂર્ણ રીતે સૌર ઉર્જાથી સંચાલિત હોય. આ સાથે જ સોલાર પ્રોજેક્ટની જગ્યામાં ખેતી કરીને ઓર્ગેનિક ફૂડ એરપોર્ટ પરિસરમાં જ વેચવામાં આવે છે, જે એરપોર્ટના કર્મચારીઓ અને મુસાફરો ખરીદી શકે છે. આ એરપોર્ટ દેશના અન્ય એરપોર્ટ માટે એક ઉદાહરણરૂપ બની શકે છે અને દેશના અન્ય એરપોર્ટ પર પણ આ પ્રયોગ કરી શકાય.

કોચિ એરપોર્ટ પર રન વે નજીક 46 હજાર સોલાર પેનલ લગાવવામાં આવી છે. આ સોલાર પેનલની વચ્ચે અને આજુબાજુમાં જે જગ્યા છે તેમાં ઓર્ગેનિક ખેતી કરવામાં આવે છે અને મરચા, ભીંડા, કોળા, દુધી સહિતની સિઝનલ શાકભાજી ઉગાડવામાં આવે છે. સોલાર પેનાલની સફાઇ માટે જે પાણી વપરાય છે તે સીધુ જ આ શાકભાજીના પાકને મળતુ હોવાથી સિંચાઇ માટે પણ અલગથી પાણીની વ્યવસ્થા કરવી પડતી નથી અને વેસ્ટ જનાર પાણીનો ખેતી માટે ઉપયોગ થાય છે. આ એરપોર્ટ કમ ઓર્ગેનિક ફાર્મમાં વર્ષ 2016માં 40 ટન ઓર્ગેનિક શાકભાજીનું ઉત્પાદન થયુ હતું. ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી થતી હોવાથી તેમાં કોઈપણ પ્રકારના પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ થતો નથી. આ શાકભાજી એરપોર્ટ પર કામ કરતા આઠ હજાર કર્મચારીઓ અને એરપોર્ટ પર આવતા હજારો મુસાફરો ખરીદી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરાઇ છે. કોચિ એરપોર્ટ ભારતનું સાતમા નંબરનું મોટુ એરપોર્ટ છે. આ એરપોર્ટ પર દર અઠવાડિયે 1 હજાર ફ્લાઇટ્સની અવર-જવર રહે છે. દેશના અન્ય એરપોર્ટ પર પણ કોચિ મોડલ વિકસિત કરી આત્મનિર્ભર બની શકે છે.