મેરાન્યૂઝ નેટવર્ક, શ્રીનગર: જમ્મૂ કાશ્મીરમાં થયેલ ચકચારી કઠુઆ ગેંગરેપ મામલે દેશભરમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે ત્યારે આ મામલે કથિત રીતે આરોપીઓનું સમર્થન કરનારા જમ્મૂ-કાશ્મીર સરકારના બે મંત્રીઓ ચૌધરી લાલસિંહ અને ચંદ્ર પ્રકાશ ગંગાના રાજીનામા મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીએ મંજૂર કરી લીધા છે. જમ્મૂ-કાશ્મીરમાં પીડિપી અને ભાજપની સહિયારી સરકાર છે. રાજીનામુ આપનાર બંને ભાજપના નેતાઓ છે અને ગત શુક્રવારે જ તેમણે રાજીનામા આપી દીધા હતા જેને આજે રવિવારે મુખ્યમંત્રીએ મંજૂર કરી ગવર્નરને મોકલી આપ્યા છે.

ભાજપના બંને મંત્રીઓએ કઠુઆ ગેંગરેપના આરોપીઓના સમર્થનમાં 1 માર્ચના રોજ યોજાયેલી રેલીમાં ભાગ લીધો હતો. આ બંને મંત્રીઓના રાજીનામાને કારણે જમ્મૂ-કાશ્મીરમં પીડિપી-ભાજપ સરકારમાં મંત્રીઓની સંખ્યા 22 થઇ છે. મહેબૂબા સરકારમાં ભાજપ કોટામાંથી 9 મંત્રી છે. ગત મહિને રાજ્ય સરકારે નાણા મંત્રી હસીબ દ્રાબૂને સસ્પેન્ડ કર્યા હતા જેથી હવે રાજ્યમાં કુલ 3 મંત્રીઓના પદ ખાલી થયા છે.

દરમિયાન આજે રવિવારે દિલ્હી અને મુંબઇમાં ઉન્નાવ અને કઠુવા રેપકાંડના વિરોધમાં લોકો ફરી એક વખત રસ્તા પર ઉતર્યા હતા. દિલ્હીમાં સંસદ માર્ગ પાસે લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું તો મુંબઇના બાંન્દ્રા સ્થિત કાર્ટર રોડ વિસ્તારમાં પણ લોકોએ દેખાવો કર્યા હતા.