મેરાન્યૂઝ નેટવર્ક.બેંગાલુરુઃ ઘણા દિવસોની ખેંચતાણ પછી કર્ણાટકમાં બનેલી કોંગ્રેસ અને જનતા દળ (સેક્યુલર)ની ગઠબંધ વાળી સરકારના મુખ્યમંત્રી એચડી કુમારાસ્વામીએ વિધાનસભામાં વર્ષ 2018-19 માટે બજેટ રજુ કર્યું હતું. લોકોની આશા પર ખરા ઉતરેલા સીએમએ બજેટમાં ચૂંટણીના વાયદાઓને કેટલીક હદે પુરા કરવાના પ્રયાસો કર્યા છે અને બે લાખ કે તેનાથી ઓછાની લોન લેનારા ખેડૂતોનું દેવું માફ કરવાની જાહેરાત કરી છે. સીએમએ દેવા માફી માટે 34 હજાર કરોડ રૂપિયા ફાળવવાનું પણ એલાન કર્યું છે. જોકે આ રાહત સાથે જ પેટ્રોલ ડીઝલ અને વિજળીની કિંમતોમાં વધારો કર્યો છે જેનાથી ખેડૂતો સાથે સાથે અન્ય જનતા પર પણ ચિંતાના વાદળો મંડાયા છે.

રિપોર્ટ્સ મુજબ, કુમારાસ્વામીએ રૂ. 2,13,734 કરોડના બજેટનું એલાન કરતાં કહ્યું છે કે, તે સિદ્ધારામૈયા સરકારની તમામ યોજનાઓને ચાલુ રાખશે. સર્વિસ અને એગ્રિકલ્ચર સેક્ટર પર ફોકસ રાખવામાં આવશે. તેમણે જાણકારી આપી કે વર્ષ 2016-17માં વૃદ્ધીદર 7.5 ટકા હતો જે વધીને વર્ષ 2017-18માં 8.5 ટકા પહોંચ્યો છે. સરકારની પ્રાથમિક્તા ખેડૂતોના દેવા માફી માટે સંસાધન ભેગુ કરવા પર છે. તેમણે વિશ્વાસ અપાવાનો પ્રયત્ન કર્યો છે કે ચૂંટણી ઢંઢેરામાં લેવાયેલા તમામ વાયદા પુરા કરવા માટે સરકાર પ્રતિબદ્ધ છે.

ખેડૂતોને નવા દેવા લેવામાં મદદ કરવા માટે સરકાર ડિફોલ્ટિંગ અકાઉન્ટસથી એરિયર ખત્મ કરી દેશે જેનાથી ક્લિયરન્સ સર્ટિફિકેટ આસાનીથી મળી શકશે. તેના માટે 6500 કરોડ રૂપિયા ફાળવાયા છે. પહેલા ચરણમાં 31 ડિસેમ્બર 2017 સુધી માટે લેવાયેલા દેવા માફ કરવામાં આવશે. જે ખેડૂતોએ નક્કી સમય સુધી દેવા ચુકવી દીધા છે તેમને પ્રોત્સાહન રૂપે ચુકવેલી રકમ કે રૂ.25000, જે ઓછું હશે તે સરકાર ચુકવશે.

હવે આ જોવું રસપ્રદ હશે કે પહેલા ચાલેલી યોજનાઓ સાથે જ દેવામાફી સાથે સરકાર સંતુલન કેવી રીતે બનાવશે. ઉલ્લેખનીય છે કે જેડી(એસ)એ ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન કોઓપરેટીવ અને રાષ્ટ્રીયકૃત બેન્કોથી લેવાયેલા તમામ દેવા સત્તામાં આવ્યાના 24 કલાક બાદ માફ કરવાનો વાયદો કર્યો હતો.

સરાકારે જ્યાં એક તરફ ખેડૂતોના દેવા માફ કરીને ખુશ કરી દીધા છે ત્યાં બીજી તરફ પેટ્રોલ, ડીઝલ અને વીજળીમાં ભાવ વધારો કરી તેનાથી થવાના ફાયદા પર સવાલ ઊભા કર્યા છે. બજેટમાં પેટ્રોલ ટેક્સમાં 30થી 32 અને ડીઝલના ભાવમાં 19થી 21 ટકાનો વધારો કર્યો છે. એ સાથે જ પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 1.14 રૂપિયા અને ડીઝલમાં રૂ.1.12 પ્રતિ લીટર સાથે જ વીજળીમાં 20 પૈસાનો વધારો થશે.

દેવા માફી પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે કહ્યું હુતં કે તે ખેડૂતો માટે એક આશાની કિરણ હશે. રાહુલે ટ્વીટ કર્યું હતું કે, કર્ણાટક બજેટની પૂર્વ સંખ્યા પર હું સહમત છું કે અમારી કોંગ્રેસ-જનતા દળ સેક્યુલર ગઠબંધનની સરકાર કૃષિ ઋણ માફ કરશે અને કૃષિને વધુ લાભદાયી બનાવશે.