મેરાન્યૂઝ નેટવર્ક, બેંગાલુરુ: કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ હોવાના કારણે ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણ મળતા આજે ગુરુવારે યેદીયુરપ્પાએ મુખ્યમંત્રી પદે શપથ લીધા હતા. હવે ભાજપે 15 દિવસમાં બહુમતી સાબિત કરવાનો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર તોડજોડના રાજકારણમાં કોંગ્રેસના 78માંથી 2 ધારાસભ્યોનો સંપર્ક થઇ શક્યો નથી જ્યારે અન્ય એક ધારાસભ્ય ઇગલટોન રિસોર્ટમાંથી બહાર ગયા છે. 104 બેઠક પર વિજયી થયેલ ભાજપને સરકાર બનાવવા માટે હજુ 8 ધારાસભ્યોની જરૂર છે. જેડીએસ દ્વારા ભાજપ પર આક્ષેપ કરાયો છે કે તેમના ધારાસભ્યોને ખરીદવા માટે 100 કરોડ રૂપિયાની ઑફર આપવામાં આવી રહી છે. જેડીએસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કુમારસ્વામીએ દાવો કર્યો છે કે ભાજપ કોંગ્રેસ સહિત જેડીએસના ધારાસભ્યોને પોતાના પક્ષમાં કરવા માટે ઇડી સહિતની એજંસીઓનો દુરુપયોગ કરી શકે છે.

આ મામલે કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ દાવો કર્યો છે કે બીએસ યેદીયુરપ્પા માત્ર એક દિવસના મુખ્યમંત્રી બની રહેશે. આવતીકાલ શુક્રવારે સુપ્રિમ કોર્ટમાં સુનાવણીની રાહ જોવાઇ રહી છે. રાજ્યપાલ વજુભાઇ વાળાએ ભૂતકાળમાં નરેન્દ્ર મોદી માટે પોતાની રાજકોટ બેઠકનું બલિદાન આપ્યુ હતું, એક દિવસ પહેલા વાળાએ મોદી માટે સંવિધાન અને લોકશાહીની બલી ચડાવી દીધી.  

આમ એક તરફ કોંગ્રેસ અને જેડીએસ પોતાના ધારાસભ્યો પોતાની પાસે જ હોવાનો દાવો કરી રહી છે ત્યારે બીજી તરફ યેદીયુરપ્પા પર બહુમતી સાબિત કરવાનું દબાણ વધી રહ્યું છે.