મેરાન્યૂઝ નેટવર્ક, બેંગાલુરુ: કર્ણાટક વિધાનસભાની ચૂંટણી બાદ જાહેરાત થયેલા પરિણામોથી ક્યા પક્ષને સરકાર બનાવવાનું આમંત્રણ મળશે તેના હાઇવોલ્ટેજ ડ્રામાનો આખરે બુધવારે રાત્રે અંત આવ્યો છે. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર યેદીયુરપ્પા આવતીકાલે ગુરુવાર સવારે 9: 30 વાગ્યે મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કરશે અને આગામી 15 દિવસમાં તેમણે કર્ણાટક વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો રહેશે.  જો કે આ શપથ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાજર નહીં રહે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી પરિણામોમાં ભાજપને 104, કોંગ્રેસને 78 અને જેડીએસને 37 બેઠકો મળી છે. સરકાર બનાવવા માટે 113 બેઠકોની જરૂર છે.  જેડીએસને કોંગ્રેસે સમર્થન આપતા કુમારસ્વામીએ સરકાર બનાવવા માટે રાજ્યપાલને આમંત્રણ આપવા જણાવ્યું હતું તથા જેડીએસ અને કોંગ્રેસ દ્વારા રાજ્યપાલ કાયદાનું પાલન નહીં કરી ભાજપનું સમર્થન કરતા હોવાનો આક્ષેપ પણ કર્યો છે. 

બીજી તરફ ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણ મળ્યાના મીડિયા રિપોર્ટ્સ વહેતા થતાં કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે કહ્યું હતું કે તેઓ રાજ્યપાલના આ નિર્ણય વિરૂદ્ધ સુપ્રિમ કોર્ટમાં જશે. કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે પણ કહ્યું હતું જો રાજ્યપાલ સંવિધાનનું ઉલ્લંઘન કરે છે તો નિશ્ચિત રીતે તેમના પર દબાણ કરવામાં આવી રહ્યું હશે.