મેરાન્યૂઝ નેટવર્ક,  બેંગાલુરુ: લોકસભાની સામાન્ય ચૂંટણી પહેલા કર્ણાટકમાં યોજાયેલી લોકસભાની ૩ બેઠકો અને વિધાનસભાની ૨ બેઠકોની પેટાચૂંટણીમાં મેદાન મારી જનાર કોંગ્રેસ-જેડીએસ સંગઠનની દિવાળી સુધરી ગઈ છે. જ્યારે ભાજપનો સફાયો થતા ચિંતન કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. કારણ કે, છેલ્લા સાડાચાર વર્ષમાં કેન્દ્રમાં સત્તાધારી ભાજપની બેઠકો ૨૮૨માંથી ઘટીને ૨૭૨ થી ગઈ છે.

કર્ણાટકમાં લોકસભાની ત્રણ અને વિધાનસભાની બે બેઠકોની પેટાચૂંટણી માટે ગયા શનિવારે મતદાન યોજાયું હતું. આ પેટાચૂંટણીમાં સરેરાશ ૬૭ ટકા મતદાન થયું હતું. જ્યારે આ ચૂંટણી જંગમાં ભાજપના ૫, કોંગ્રેસના ૩, અને જેડીએસના ૨ ઉપરાંત ૨૧ અપક્ષ ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું. આ પેટાચૂંટણીની આજે સવારથી હાથ ધરાયેલી મત ગણતરી બાદ જાહેર થયેલા પરિણામોમાં કોંગ્રેસ-જેડીએસ સંગઠનને દિવાળીની ભેટ મળી છે. તો લોકસભાની ચૂંટણી પહેલા ભાજપન રકાસ થયો છે. કોંગ્રેસ-જેડીએસનો ૪ બેઠકો અને ભાજપનો માત્ર ૧ બેઠકમાં વિજય થયો છે.

આ પેટાચૂંટણીમાં ભાજપના ગઢ સમાન બેલ્લારી લોકસભા બેઠકમાં કોંગ્રેસના વીએસ ઉગરપ્પાએ ભાજપના ઉમેદવાર જે.શાંતાને ૨,૪૩,૧૬૧ મતથી હરાવ્યા છે. માંડયા લોકસભા બેઠક પર જેડીએસના એલ.આર. શિવરામેગૌડાએ ભાજપના સિદ્ધારમૈયાને ૩,૨૪,૯૪૩ મતથી પરાજય આપ્યો હતો. જ્યારે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદીયુરપ્પાના પુત્ર રાઘવેન્દ્રએ શિમોગા લોકસભા બેઠક પરથી ૫૨૧૪૮ મતથી વિજય મેળવી યેદીયુરાપ્પાની ઈમેજ બચાવી લીધી છે.

જયારે વિધાનસભાના ચૂંટણી જંગમાં મુખ્યમંત્રી કુમાર સ્વામીના પત્ની અનીતા રામનગર બેઠક પરથી એક લાખ કરતા વધારે મતની સરસાઈથી વિજેતા થયા છે. જયારે જામખડી વિધાનસભા બેઠકમાં કોંગ્રેસના આંનદસિદ્ધુ ન્યામાગૌડાએ ભાજપના ઉમેદવારને ૩૯,૪૮૦ મતથી હરાવ્યા છે. આ પરિણામોએ રાજ્યમાં કોંગ્રેસ-જેડીએસ સંગઠન સરકારની લોકપ્રિયતા હોવાનું પુરવાર કરવા સાથે લોકસભાની આગામી ચૂટણીમાં ભાજપ માટે મોટો પડકાર સર્જાશે તે પુરવાર કર્યું છે.