મેરાન્યૂઝ નેટવર્ક, બેંગાલુરુ: કર્ણાટક વિધાનસભાની ચૂંટણી બાદ જાહેર થયેલા પરિણામોમાં ભાજપ, કોંગ્રેસ અને જેડીએસમાંથી એક પણ પક્ષને પૂર્ણ બહુમત ન મળતા સરકાર બનાવવા અંગે હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો છે. આ દરમિયાન મીડિયા રિપોર્ટ્સ અનુસાર કર્ણાટકમાં સરકાર બનાવવા માટે રાજ્યપાલ વજુભાઇ વાળાએ ભાજપ એટલે કે યેદીયુરપ્પાને સરકાર બનાવવાનો પ્રસ્તાવ આપ્યો છે. આ અંગે કર્ણાટક ભાજપના ઓફિસિયલ ટ્વિટર પરથી ટ્વિટ કરાયુ હતું કે આવતીકાલે ગુરુવારે સવારે 9:30 વાગ્યે યેદીયુરપ્પા મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે. જો કે ત્યાર બાદ આ ટ્વિટ ડિલિટ કરી દેવામાં આવ્યું હતું. કર્ણાટક ભાજપના ધારાસભ્ય સુરેશ કુમારે પણ ટ્વિટ કરીને યેદીયુરપ્પા મુખ્યમંત્રી પદના શપથ લેશે તેમ જણાવાયુ છે. જો કે અત્યાર સુધી સત્તાવાર રીતે યેદીયુરપ્પા શપથ ગ્રહણ કરશે તેવી કોઇ જાહેરાત કરાઇ નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી પરિણામોમાં ભાજપને 104, કોંગ્રેસને 78 અને જેડીએસને 37 બેઠકો મળી છે. જેડીએસને કોંગ્રેસે જાહેર સમર્થન આપતા કુમારસ્વામીએ સરકાર બનાવવા માટે રાજ્યપાલને આમંત્રણ આપવા જણાવ્યું હતું તથા જેડીએસ અને કોંગ્રેસ દ્વારા રાજ્યપાલ કાયદાનું પાલન નહીં કરી ભાજપનું સમર્થન કરતા હોવાનો આક્ષેપ પણ કર્યો છે.  ભાજપના પ્રવક્તા પ્રકાશ જાવડેકરને આ અવઢવ અંગે પુછવામાં આવતા તેમણે માત્ર હાથથી વિક્ટરી સાઇન દેખાડી હતી.

બીજી તરફ ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણ મળ્યાના મીડિયા રિપોર્ટ્સ વહેતા થતાં કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે કહ્યું હતું કે તેઓ રાજ્યપાલના આ નિર્ણય વિરૂદ્ધ સુપ્રિમ કોર્ટમાં જશે. કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે પણ કહ્યું હતું જે જો રાજ્યપાલ સંવિધાનનું ઉલ્લંઘન કરે છે તો નિશ્ચિત રીતે તેમના પર દબાણ કરવામાં આવી રહ્યું હશે.