મેરાન્યૂઝ નેટવર્ક, બેંગાલુરુ: કર્ણાટકના આર.આર.નગર વિધાનસભા વિસ્તારના એક ફ્લેટમાંથી મોટી સંખ્યામાં નકલી મતદાર ઓળખ કાર્ડ મળવાના કારણે આવતીકાલે 12 મે ના રોજ યોજાનાર વિધાનસભાની ચૂંટણી સ્થગિત કરવામાં આવી છે. કર્ણાટક ચૂંટણી પંચે આજે શુક્રવારે આ વિશે નિર્ણય લીધો છે. હવે આ બેઠક પર 28 મે નાં રોજ ચૂંટણી થશે અને 31 નાં રોજ મતગણતરી કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે. આર.આર. નગરમાં ગત મંગળવારે જલાહલ્લીમાં એક ફ્લેટમાં 10 હજાર નકલી મતદાર ઓળખ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા હતા. ઇલેક્ટોરલ રોલ્સમાં નામ ચઢાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા ફોર્મ 7 ની કાઉન્ટર ફાઇલ્સ પણ હજારોની સંખ્યામાં ત્યા મળી હતી. ફ્લાઇંગ સ્ક્વોડને ઘટના સ્થળેથી કોંગ્રેસના ધારાસભ્ય એન. મણિરત્નાની પત્રિકાઓ પણ ત્યાથી મળી હતી. જેથી જેડીએસ અને ભાજપ દ્વારા ચૂંટણી રદ કરવાની માગણી કરવામાં આવી હતી. જો કે આ ફ્લેટ કથિત રીતે ભાજપના નેતા મંજુલા નંજામારીનો હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ ફ્લેટમાં ભાડે રહેનાર વ્યક્તિ રાકેશ પણ ભાજપનો કાર્યકર છે અને તે મંજુલાનો સંબંધી છે. જેથી કોંગ્રેસ દ્વારા ભાજપ પર આ કૌભાંડ કર્યાનો આક્ષેપ કરાયો છે.