મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: રાજ્ય સરકાર દ્ધારા ખેડૂતોના દેવાં માફી અંગે તો કોઈ વિચારણા કરવામાં આવી નથી.પરંતુ જસદણ પેટાચૂંટણીના જાહેર પ્રચારનાં અંત પહેલાં ૬.૨૨ લાખ વીજ ગ્રાહકોના બાકી નીકળતા રૂપિયા ૬૨૫ કરોડ માફ કરવાની જાહેરાત કરવામાં આવી છે. એક વખતની સંપૂર્ણ માફી યોજના અંતર્ગત રાજ્ય સરકારે ઘર વપરાશ, કોમર્શિયલ તેમજ ખેતીવાડી વીજ જોડાણોમાં રૂપિયા ૫૦૦ ભરવાથી બાકી રકમ અને વ્યાજમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. આ યોજનાનો અમલ ૧૯/૧૨/૨૦૧૮થી ૨૮/૨/૨૦૧૯ સુધી એટલે કે બે માસ સુધી ચાલુ રહેશે.

કોંગ્રેસનું શાસન ધરાવતી અન્ય રાજ્ય સરકારોની જેમ ગુજરાત સરકારે ખેડૂતોના દેવાં માફીની જાહેરાત કરી નથી. પરંતુ જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં મતદાન પહેલા વીજ ગ્રાહકોની બાકી રકમ તેમજ વ્યાજ માફી કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે આજે પત્રકારો સમક્ષ આ જાહેરાત કરતા કહ્યું કે, રાજ્યના અંદાજે ૬.૨૨ લાખ વીજ ગ્રાહકો પાસેથી બાકી નીકળતા રૂપિયા ૬૨૫ કરોડ માફ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રાજ્ય સરકારની એક વખતની સંપૂર્ણ માફી યોજના હેઠળ ઘર વપરાશ, કોમર્શિયલ તેમજ ખેતીવાડી વીજ જોડાણ ધરાવતા ગ્રાહકોએ માત્ર રૂપિયા ૫૦૦ જ ભરવાના રહેશે. આથી તેમને બાકી રકમ તેમજ તેનું વ્યાજ ભરવામાંથી મુક્તિ આપવામાં આવશે.

ઉર્જા રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વધુ વિગતો આપતા કહ્યું કે, આ માફી યોજનામાં જે વીજ ગ્રાહકોએ કરારિત વીજભાર કરતાં વધુ વીજભાર જોડેલ હોય કે વીજ ચોરીના કેસ ઉપરાંત જે ગ્રાહકો આર્થિક પરિસ્‍થિતિના કારણે વીજ બીલના નાણાં ભરપાઇ કરેલા ન હોય તેવા ગ્રાહકોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. આ ઉપરાંત વીજ જોડાણો કાયમી ધોરણે બંધ થઇ ગયા હોય કે કપાઇ ગયા હોય તેવા તમામ ગ્રાહકોને પણ આ યોજનાનો લાભ મળશે. જયારે કાયમી ધોરણે બંધ થયેલા વીજ જોડાણોને ફરીથી ચાલુ કરી આપવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.

રાજ્ય સરકારના આ નિર્ણય અંગે કોંગ્રેસના પ્રવકતા ડો.માનીશ દોશીએ કહ્યું કે, કોંગ્રેસની સરકારોએ ખેડૂતોના દેવાં માફ કરતા રાજકીય દબાણમાં આવી ગયેલી ગુજરાતની ભાજપ સરકારે દેવાં માફીના બદલે વીજ ચોરી બીલ માફ કરી દેખાડો કર્યો છે. જસદણની પેટાચૂંટણી અગાઉ આ આચારસંહિતાનો ભંગ હોવા છતાં જો પ્રજાને લાભ થતો હોય તો અમે કોઈ વિરોધ નહિ કરીએ.