મેરાન્યૂઝ નેટવર્ક.જૂનાગઢ: છેલ્લા ઘણા સમયથી પોલીસ ચોપડે ફરાર બુટલેગર ધીરેન કારિયાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં ધીરેન ફોનમાં એસપી સાથે વાત કરતો હોવાનું જણાઈ રહ્યું છે. જેમાં તે કહે છે કે, એસપી સાહેબ તમે મારૂ એન્કાઉન્ટર કરવાના છો ને? પરંતુ હું સામેથી હાજર થવા માંગુ છું. જો કે ખરેખર આ બુટલેગર કોની સાથે વાત કરી રહ્યો છે તે ઉંડી તપાસનો વિષય છે, પરંતુ હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલો આ વીડિયો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

વીડિયોમાં બુટલેગર ધીરેન જમતા-જમતા હિન્દી ભાષામાં કોઈ સાથે ફોનમાં વાત કરી રહ્યો હોવાનું જણાય છે. જેમાં તે પોલીસ સમક્ષ હાજર થવાનું જણાવતા કહે છે કે, મારે હાજર થવું છે, તમારી પોલીસ છે, તમે એસપી છો, તમે કહી શકો છો. સામેથી જવાબ આવે છે કે તારે ક્યાં અને કેવી રીતે કરવું છે એના વિશે હું કંઈ નહીં કહી શકું. ત્યારે ધીરેન સામે કહે છે કે હું હાલમાં જ તમારી સમક્ષ હાજર થવા તૈયાર છું. તેના જવાબમાં સામેથી કહેવામાં આવે છે કે, તું ભાગેડુ છે અને તને પોલીસ શોધી લેશે. 

ધીરેન કહે છે કે હું ભાગેડુ નથી, હું તો હાલ હાજર થવા તૈયાર છું. ત્યારે ફોન પર સામેથી અવાજ આવે છે કે, તને એવો ભ્રમ છે કે તને કોઈ પોલીસ પકડી નથી શકતી, તો એવા ભ્રમમાં ન રહેતો. વાત ઉગ્ર થતાં ધીરેન ફોન પર જ ચેલેન્જ આપે છે કે તમને લાગે છે કે મને પકડી શકો છો તો આવીને પકડી લો. સામેથી અવાજ વધુ ઉગ્ર થતાં કહેવામાં આવે છે કે, હું તારા ઘરે સર્ચ કરીશ, તું ઉંદરની જેમ ભાગતો ફરે છે. હાલ આ વીડિયો સોશ્યલ મીડિયા મારફત ધડાધડ શેર થઈ રહ્યો છે.