મેરાન્યૂઝ નેટવર્ક.જુનાગઢઃ ચૂંટણી દરમિયાન મતદારોને પ્રભાવીત કરવા માટે દારૂ અને રોકડ રૂપિયા સહિત અન્ય કોઈ ભેટ આપવામાં આવે નહીં તે માટે ચૂંટણી પંચ અને પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવે છે, આમ છતાં મતદાન ચાલી રહ્યુ હતું. તે દરમિયાન જુનાગઢમાં વાહન ચેકીંગ કરી રહેલી પોલીસ એક કારની તલાશી લેતા તેમાંથી દારૂની એક બોટલ અને ત્રણ લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા, આ કારમાં રહેલી બે વ્યકિતની પોલીસે ધરપકડ કરી છે. જો કે કારમાં રહેલી સંજય નામની વ્યકિતએ પોલીસ ઉપર રોફ છાંટી છોડી દેવાનો આદેશ કર્યો હતો, કારણ પોતે જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાનો અંગત સચિવ હોવાનો તે દાવો કરી રહ્યો છે.

મતદાન દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ બને નહીં તે માટે જુનાગઢ પોલીસ દ્વારા શહેરમાં પ્રવેશ કરવાના નાકા ઉપર શહેરના સંવેદનશીલ વિસ્તારમાં નાકાબંધી કરી વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું હતું. બપોરના 12 વાગ્યાના સુમારે પોલીસે એક કાર અટકાવી તેની તલાશી લેતા પહેલા તો કારમાં બેઠેલી બે વ્યકિતઓએ પોલીસને કારની તપાસ કરતા અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો, આમ છતાં પોલીસે પોતાની કામગીરી ચાલુ રાખતા કારમાં રહેલો સંજય નામનો યુવકો ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે ફરજ ઉપરના પોલીસ અધિકારીને ધમકાવવાની શરૂઆત કરી હતી. સંજયનો દાવો હતો કે તે સાંસદ રાજેશ ચુડાસમાનો પીએ છે અને ચૂંટણીના કામે જઈ રહ્યો છે.

જો કે પોલીસે સંજયથી પ્રભાવીત થયા વગર કાર તપાસતા તેમાંથી દારૂની એક બોટલ અને સંજય પાસેથી ત્રણ લાખ રોકડા મળી આવ્યા હતા. જ્યારે રવિરાજ નામના યુવક પાસેથી ત્રીસ હજાર મળી આવ્યા હતા. પોલીસે દારૂના કેસમાં તેમજ આચારસંહિતા પ્રમાણે રોકડ રૂપિયાની હેરફેર ઉપર પ્રતિબંધ હોવાના ગુનામાં તેમની ધરપકડ કરી આ મામલે ચૂંટણી પંચ અને ઈન્કમટેકસ વિભાગને જાણ કરી છે.