મેરાન્યૂઝ નેટવર્ક. જુનાગઢ : જુનાગઢ સહિત આસપાસના વિસ્તારો જેવા કે, ધોરાજી, ભેંસાણ, વિસાવદર, માણાવદર, પોરબંદર અને જાફરાબાદના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. જેમાં ધોરાજી પંથકમાં ગઇકાલે સાંજે ભારે પવન સાથે મિનિ વાવાઝોડું આવતા મોટીમારડ ગામ પાસે પાટણવાવ રોડ પર વૂક્ષો ધરાશાયી થઈ જતાં રોડ બંધ થઈ ગથો હતો. તેમજ કરા સાથે પોણા કલાકમાં જ અડધો ઇંચ વરસાદ પણ ખાબક્યો હતો. વાવાઝોડામાં 76 જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા. તંત્ર દ્વારા ધરાશાયી થયેલા વૂક્ષોને જેસીબી મશીનો દ્વારા દૂર કરીને રસ્તો ખૂલ્લો કરાવાયો હતો.

જૂનાગઢ-ભેંસાણમાં ધૂળની આંધી સાથે વરસાદી છાંટા, ધૂળની આંધી સર્જાઇ

જૂનાગઢ ઉપરાંત ભેંસાણ, વિસાવદર, માણાવદર પંથકમાં પણ ભારે પવન ફુંકાયો હતો. તેમજ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. તો ભેંસાણ રોડ પર પવનનાં કારણે એક વૃક્ષ ધરાશાયી થયું હતું.  તેમજ જૂનાગઢ પંથકમાં વરસાદી છાંટા પણ પડ્યા હતા. અરબી સમુદ્રમાં દબાણ સર્જાતા પોરબંદર અને જાફરાબાદના દરિયામાં એક નંબરનું સિગ્નલ લગાવાયું હતું. તેમજ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. દરિયામાં પવનની સ્પીડ વધવાની શક્યતાને કારણે બંદર પર તેની અસર થવાની આગાહી હવામાન વિભાગે કરી હતી.