મેરાન્યૂઝ નેટવર્ક ગાંધીનગરઃ ગુજરાતમાં પાટીદાર ફેકટરને આગામી લોકસભાની ચૂંટણી પહેલા પોતાની તરફેણમાં કરવાની વ્યૂહરચનાના ભાગરૂપે ભાજપ સરકારે કોંગ્રેસમાંથી આયેલા પાટીદાર નેતાને નિગમના ચેરમેન પદની લ્હાણી કરી છે. ગઈ વિધાનસભાની ચૂંટણીમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સામે હારેલા કોંગ્રેસના મહેસાણાના પૂર્વ સંસદસભ્ય જીવાભાઈ પટેલને આજે જીએમડીસીના ચેરમેન બનાવવામાં આવે તેવી હીલચાલ છે. આ અગાઉ ૧૦ ડિસેમ્બરે જીવાભાઈ પટેલે ભાજપ પ્રદેશ પ્રમુખને મહેસાણા જીલ્લા પંચાયત તોડવાના લખેલા પત્રથી ખળભળાટ મચવા સાથે તેમને તેની ભેટ મળશે હોવાનું માનવામાં આવી રહ્યું છે.    

પાંચ રાજ્યોના પરિણામોએ ગુજરાતમાં પણ ભાજપની ઊંઘ ઉડાડી દીધી છે. જેમાં ખાસ કરીને લોકસભા પહેલા જસદણની પેટાચૂંટણીમાં પાટીદાર સમાજને પોતાની તરફેણમાં કરવા માટે ભાજપ સરકાર દ્વારા કોંગ્રેસ છોડીને તાજેતરમાં જ આવેલા જીવાભાઈ પટેલને નિગમના ચેરમેન પદની લ્હાણી કરવામાં આવે તેવું વાતાવરણ છે. મહેસાણાના કોંગ્રેસના પૂર્વ સાંસદ અને છેલ્લે વિધાનસભામાં ભાજપના નીતિન પટેલ સામે હારી જનાર જીવાભાઈ કોંગ્રેસની સ્થાનિક નેતાગીરીથી નારાજ થઇ ભાજપમાં જોડાયા છે. તેમને ભાજપ સરકારે જીએમડીસીના ચેરમેન બનાવી એક કાંકરે બે પક્ષી મારવાનું કામ કરવા માગતું હોવાની સચિવાલયમાં ચર્ચા થઇ રહી છે.

કોંગ્રેસ છોડીને ભાજપમાં જાડાયેલા જીવાભાઈ પટેલે ગુજરાત બીજેપી પ્રમુખ જીતુ વાઘાણીને લખેલા એક પત્રથી ખળભળાટ મચી ગયો છે. જીવાભાઈએ લખેલા પત્ર પરથી આગામી દિવસોમાં મહેસાણા જિલ્લા પંચાયત તૂટવાનાં એંધાણ છે. કારણ કે પત્રમાં જીવાભાઈએ ગુજરાત બીજેપી પ્રમુખ પાસેથી કોંગ્રેસના સભ્યોને ભાજપમાં લાવવા માટે મિટિંગની મંજૂરી માંગી છે. મહેસાણા જિલ્લા પંચાયતના નવ જેટલા સભ્યો જીવાભાઈના સંપર્કમાં હોવાનું કહેવાઈ રહ્યું છે. ૧૦મી ડિસેમ્બરના રોજ લખવામાં આવેલા પત્રમાં જીવાભાઈએ લખ્યું છે કે, કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોની યાદી અમારી પાસે તૈયાર છે. આ અંગેના કાર્યક્રમની રૂપરેખા પણ તૈયાર છે. તો મિટિંગ માટેની તારીખ આપવા વિનંતી છે.

ભાજપ સરકાર દ્વારા જસદણમાં પાટીદાર વોટબેંક અંકે કરવા માટે આયાતી કોંગ્રેસી નેતા જીવાભાઈનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે ઉત્તર ગુજરાત અને સુરત વિસ્તારમાં પણ જીવાભાઈ પટેલનો ઉપયોગ કરી નીતિન પટેલની સમકક્ષ નેતાગીરી ઊભી કરવાનો પ્રયાસ હોવાનું પણ ભાજપમાં જ ચર્ચાઈ રહ્યું છે. ભાજપ સરકાર દ્વારા છેલ્લી બે ટર્મમાં પાંચ જેટલા કોંગ્રેસી નેતાઓને બોર્ડ-નિગમમાં ચેરમેન બનાવી મૂળ ભાજપના પાયાના કાર્યકરોને અન્યાય કરવામાં આવ્યો હોવાનું વાતાવરણ બન્યું છે. જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીન, કુંવરજી હળપતિ, બળવંતસિંહ રાજપૂત અને હવે જીવાભાઈ પટેલને ભાજપ ચેરમેન બનાવે તેવી શક્યતાઓ છે.