મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ભાજપના પ્રદેશ પ્રમુખના નામ અને સહિ સાથે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસને કેટલી બેઠકો મળશે તેનો સર્વે ફરતો થયો છે. જે સર્વેમાં ભાજપને માત્ર 74 તો કોંગ્રેસને 113 બેઠકો મળી છે.

વળી આ સર્વેમાં જીતુ વાઘાણીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને સંબોધીને પત્ર પણ લખ્યો છે. જોકે આ સર્વે રિપોર્ટ ભાજપના નામે ફરતો કરવામાં આવ્યો છે તે તદ્દન ખોટો છે. તેમાં સતત એડીટીંગ કરવામાં આવ્યું હોવાનું પ્રારંભીક ધોરણે જ માલુમ પડે છે. વળી આ રિપોર્ટમાં હાર્દિક પટેલ અને પાટીદાર સમાજની અવગણના કરવી આપણને ભારે પડી છે તેવું જીતુ વાઘાણી દ્વારા લખાયું હોય તેવું દર્શાવાયું છે. ઉલ્લેખનીય છે કે ફરતો થયેલો આ ફેક રિપોર્ટ બીજા તબક્કાના મતદાનને ક્યાંકને ક્યાંક અસર કરી શકે છે અને જે ખોટી રીતે ઊભું કરાયેલું હોવાનું માલુમ પડી રહ્યું છે.

ફરતો થયેલો આ પત્ર અહીં તસવીરમાં દર્શાવવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો કે ભાજપ અને કોંગ્રેસને મળેલી કુલ બેઠકો એટલે કે 74 અને 113નો માત્ર સરવાળો કરીએ તો 187 બેઠકો મળી છે તો સીધો સવાલ ઊભો થાય કે ગુજરાતમાં હાલ વિધાનસભાની કુલ 182 બેઠકો છે તો વધારાની 5 બેઠકો ક્યાંથી આવી? જીતુ વાઘાણી આટલી મોટી ભુલ કે આટલું ન જાણતા હોય તે વાતમાં માલ નથી. માટે કહી શકાય કે નકલ બનાવવામાં અક્કલ ક્યાંક વપરાઈ નથી.