મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્દુલ્લાએ શનિવારે ભારત-પાકિસ્તાનના ભાગલા પર વિવાદિત નિવેદન આપતા કહ્યું હતુ કે મહંમદ અલી ઝીણા ન્હોતા ઇચ્છાતા કે ભારતના ભાગલા થાય અને પાકિસ્તાન બને. મોહંમદ અલી ઝીણાએ માત્ર તે કમીશન બનાવવાની માગણી કરી હતી જેમાં મુસ્લિમો, શીખ સહિત અન્ય લઘુમતિને વિશેષ અધિકાર આપવામાં આવે. તે સમયે પંડિત જવાહરલાલ નેહરુ, મૌલાના આઝાદ અને સરદાર પટેલે લઘુમતિને વિશેષ અધિકારી આપવાથી ઇનકાર કર્યો હતો જ્યાર બાદ મજબૂરીમાં દેશના ભાગલા કરવા પડ્યા.

નેશનલ કોંફ્રેન્સના વરિષ્ઠ નેતા ફારુખ અબ્દુલ્લા શનિવારે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, જમ્મૂ તરફથી આયોજીત કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું હતું કે મોહંમદ અલી ઝીણા સાહેબ પાકિસ્તાન બનાવવાના પક્ષમાં ન હતા. કમીશનમાં નિર્ણય થયો હતો કે હિન્દુસ્તાનના ભાગલા કરવા કરતા મુસ્લિમો માટે અલગથી લીડરશીપ રહેશે સાથે જ લઘુમતિઓ અને શીખ માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવે. કમિશનની આ વાતો ઝીણાને મંજૂર હતી પરંતુ જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ અને સરદાર પટેલે માની ન હતી જ્યાર બાદ ઝીણા પાકિસ્તાનની માગ પર અડગ રહ્યા. જો તે સમયે પંડિત નેહરુ. મૌલાના આઝાદ અને સરદાર પટેલે નિર્ણય લેવામાં ભૂલ ન કરી હોત તો ન તો પાકિસ્તાન બન્યુ હોત ન તો બાંગ્લાદેશ. સાથે જ ભારતનુ પણ આ રૂપ જોવા મળ્યુ ન હોત. ત્રણેય દેશ એક હિસ્સો હોત. તે સમયે રોપાયેલ નફરતના બીજની અસર આજે પણ સમાજ ભોગવી રહ્યો છે. આપણે ધર્મ, જાતિ અને વિસ્તારના નામે ક્યા સુધી લોકોને વહેંચતા રહીશું?