મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: આજરોજ વહેલી સવારે કોટડાસંગાણીના માણેકવાડા ગામે દલિત યુવાન રાજેશ સૌંદરવાની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ મામલે દલિત સમાજના લોકોએ ચક્કાજામ અને લાશ સ્વીકારવાનો ઇન્કાર કરી પોતાનો રોષ પ્રગટ કર્યો હતો. ત્યારે બપોર બાદ દલિત નેતા જીગ્નેશ મેવાણી રાજકોટ આવી પહોંચ્યા હતા. અને આવતીકાલે સવારે 10 વાગ્યા સુધીમાં તમામ માંગ નહીં સંતોષાય તો મૃતદેહને સીએમ વિજય રૂપાણીના બંગલે લઈ જવાની ચીમકી ઉચ્ચારી છે.

મેવાણીએ જણાવ્યું હતું કે, નાનજીભાઈએ પોતાના પર જીવલેણ હુમલો થવાની દહેશત વ્યક્ત કરી હતી. છતાં એક વર્ષ પહેલાં તેમની હત્યા થઈ હતી. બાદમાં પરિવાર દ્વારા પોતાના જીવને જોખમ હોવાની રજુઆત કરવામાં આવી હતી. પરંતુ પોલીસ આ પરિવારને પૂરતી સુરક્ષા આપવામાં નિષ્ફળ રહેતા પરિવારના જુવાનજોધ પુત્રની બેરહેમીથી હત્યા કરવામાં આવી છે. રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી રૂપાણી દલિતો પરના અત્યાચાર રોકવા માટે સક્ષમ ન હોય તેવું લાગી રહ્યું છે.

રાજેશની હત્યા બાદ પરિવાર માટે માણેકવાડા ગામમાં રહેવું શક્ય નથી. ત્યારે અમારી માંગ છે કે સરકાર તેમને રાજકોટમાં રહેવાની વ્યવસ્થા અને નોકરી તેમજ 5 એકર જમીન આપે. તેમજ આ મામલાની તપાસ સીઆઇડીને સોંપી ભોગ બનનારને જેમ બને તેમ જલ્દી ન્યાય મળવો જોઈએ. અમારી આ માંગો નહીં સંતોષાય તો ગુરૂવારે સવારે 10 વાગ્યે મોટી સંખ્યામાં દલિતો ઉમટી પડશે. અને રાજેશના મૃતદેહને સીએમ રૂપાણીના બંગલે લાવવામાં આવશે.