મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર :વર્ષ 2016માં ઉનાના નાના સમઢીયાળા ગામે સર્જાયેલા દલિતકાંડે સમગ્ર દેશમાં ચકચાર જગાવી હતી. દલિતકાંડને લઈને દેશભરના રાજકીય આગેવાનોએ ભોગ બનનાર પરિવારોની મુલાકાત લીધી હતી. તમામ પક્ષો સહિત જે-તે સમયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ અહીં આવ્યા હતા અને અત્યાચારનો ભોગ બનેલા પરિવારને જમીન અને સરકારી નોકરી સહિતની મદદ રાજ્ય સરકાર આપવાની હોવાની ચર્ચા ચાલી હતી. ત્યારે આ અંગે દલિત નેતા અને વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ વિધાનસભામાં સવાલ ઉઠાવ્યો હતો.

જીજ્ઞેશ મેવાણીએ ભોગ બનનાર દલિત પરિવારને સરકાર દ્વારા શું મદદ આપવામાં આવી? તે સવાલના જવાબમાં રાજ્ય સરકારે વિધાનસભામાં ઉનાના પીડીત પરિવારને નોકરી કે જમીનનું કોઈ વચન અપાયું ન હોવાનું જણાવ્યું હતું. સામાજીક ન્યાયમંત્રી ઈશ્વરસિંહ પરમારે જાહેર કર્યું હતું કે, આવી કોઈ માહિતી રેકોર્ડ પર નથી તેથી પ્રશ્રન જ ઉપસ્થિત થતો નથી. જેને લઈને મેવાણીએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, આ ન્યાય પરથી સ્પષ્ટ થાય છે કે સરકાર દલિતો પ્રત્યે કેટલી અસંવેદનશીલ છે. 

જીજ્ઞેશ મેવાણીએ દાવો કર્યો હતો કે, રાજય સરકારના તે સમયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મીડિયા અને હજારો લોકોની હાજરીમાં જાહેર કર્યુ હતું કે, દલિત પરિવારને પાંચ એકર જમીન અને નોકરી મળશે. તેમજ દરેક દલિત પરિવારના આવાસમાં ટોઈલેટ બનાવાશે પણ આજ દીન સુધી સરકારે આ અંગે કંઈ જ કર્યુ નથી. સરકારે કમ સે કમ તેમને પટાવાળાની નોકરી આપવી જોઈએ. આ અંગે જીજ્ઞેશ મેવાણીનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેમણે વિધાનસભામાં મળેલા આ જવાબ અંગે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.  ઉલ્લેખનીય છે કે રાજકીય તકવાદી નેતાઓ જે તે સમયની પરિસ્થિતિને કાબુમાં કરવા હવામાં વચનો આપે છે જો કે તે સમયે છેતરાઈ જતી જનતા નેતાજી પર વિશ્વાસ કરી બેસે છે અને બાદમાં નેતાજી તેમના ચાવવાના દાંતથી સમસ્થ ચિત્ર જ અલગ કરી દે છે. આવી જ સ્થિતિ દલિત પરિવાર સાથે પણ બની હતી. હાલ તેમને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પાસેથી જે વચનો મળ્યા હતા તે અંગે લાંબા સંઘર્ષ બાદ જાણવા મળે છે કે આવું કાંઈ લેખિતમાં રેકોર્ડ પર છે જ નહીં? જે ઘણી આશ્ચર્ય જનક વાત કહી શકાય તેમ છે.