મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીની આજે રાજસ્થાનના જયપુર એરપોર્ટ પર જ અટકાયત કરવામાં આવી છે. જીગ્નેશ મેવાણી અમદાવાદથી જયપુર એરપોર્ટ પહોચ્યા હતા અને ત્યાંથી નાગુર જિલ્લાના એક કાર્યક્રમમાં હાજરી આપવાના હતા. જીગ્નેશ મેવાણી ડો. આંબેડકરના જીવન ચરિત્ર અને તેમના આદર્શો વિશે વક્તવ્ય આપવા આજે રાજસ્થાન મુલાકાતે હતા. 

આજે 11 વાગે જયપુર એરપોર્ટ પર પહોંચી ચૂકેલા જીગ્નેશ મેવાણીને ડેપ્યુટી કમિશનર અને કલેકટર દ્વારા કોઈ કારણ વગર જ રોક કરવામાં આવ્યા હતા. આ સમયે જયપુર એરપોર્ટ પર પોલીસનો કાફલો મૂકી દેવામાં આવ્યો હતો અને મેવાણીને કહેવામાં આવ્યું કે તમે જયપુરમાં ફરી શકશો નહિ અને નાગુરના કાર્યક્રમ અને નાગુર જિલ્લામાં તમારી એન્ટ્રી પર રોક મુકવામાં આવી છે. જીગ્નેશ મેવાણીને એરપોર્ટ પર હાજર રાજસ્થાન સરકારના અધિકારીઓ દ્વારા અમદાવાદ પાછા ચાલ્યા જવાનું કહેવામાં આવ્યું હતું.

જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે સરકારી અધિકારીઓ કોઈ કારણ વગર અને કોઈ કારણ દર્શક નોટિસ કે ઓર્ડર વગર જ મારી અટકાયત કરી છે. હું અહીંયા ડૉ. બાબાસાહેબ આંબેડકર વિશે કાર્યક્રમમાં આવ્યો છું જ્યાં હું તેમના જીવન સંદેશ અને આદર્શો વિશે વાત કરવાનો છું છતાં મને અટકાવી દેવામાં આવ્યો છે.

ઉત્તર પ્રેદેશમાં યોગી આદિત્યનાથ સરકાર ડો. બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુને લોખંડની જાળીમાં રાખે છે અને અહીંયા મારી એન્ટ્રી પર જ ગેરબંધારણીય રોક મુકવામાં આવી છે. જ્યારે બાબાસાહેબ વિશે ચર્ચા કરવા આવ્યા હોય ત્યારે સરકારનું આ પગલું એક ચૂંટાયેલા ધારાસભ્યને કોઈ કારણ વગર કઈ રીતે અટકાવી શકે.

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સહ સંયોજક ભરત શાહે જણાવ્યું કે બંધારણની વાતો કરતી ભાજપ સરકારે ગેરબંધારણીય રીતે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની અટકાયત કરી છે જેઓ ત્યાં કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયા છે અને કોઈ કારણ વગર કરેલી અટકાયત છે.