મેરાન્યૂઝ નેટવર્ક, સુરતઃ બુલેટ ટ્રેનના મહાકાય પ્રોજેક્ટ સામે ખેડૂતોએ વિરોધનો બૂંગિયો ફૂ્ંક્યાનો મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો એ સાથે જ આ સમગ્ર પ્રોજેક્ટની ફાયનાન્સની જવાબદારી સંભાળતી જીકા (જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી)ની એક ટીમ સુરત અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોની સમસ્યા જાણવા અને તેના નિરાકણની દિશામાં આગળ ધપવા માટે બે દિવસ સુરત અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો સાથે બેઠક યોજશે.

અમદાવાદ – મુંબઈ બુલેટ ટ્રેનની જમીન સંપાદન માટે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ વળતરની રકમથી ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આ વળતરની રકમ વધારવાની માંગ સાથે ખેડૂતો દ્વારા હાઈકોર્ટમાં પિટિસન પણ દાખલ કરવામાં આવી છે. જેને લઈને હાલમાં બુલેટ ટ્રેનની જમીન સંપાદનની કામગીરી અટકી પડી છે. ખેડૂતો દ્વારા આ પ્રોજેક્ટ માટે ફંડની ફાળવણી કરતી જીકા કંપનીના અધિકારીઓને પણ તેઓને પડી રહેલી મુશ્કેલીઓ અંગેની રજૂઆત કરવામાં આવી હતી. જેને લઈને જીકા કંપનીના અધિકારીઓ આવતી કાલ શુક્રવારથી બે દિવસ માટે સુરત આવશે.

આ અંગે ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે (પાલ) જણાવ્યું હતું કે  હાલમાં જાપાનીઝ કંપની જીકાનું એક પ્રતિનિધિ મંડળ પ્રોજેક્ટ સાઇટની મુલાકાત લઇ રહ્યું છે. જીકા કંપનીનું ડેલિગેશન આવતીકાલ તા.7મી ડિસેમ્બર 2018ના રોજ સવારે 11.30 કલાકે સુરતની મુલાકાતે આવી રહ્યું છે. સુરત, નવાસારી, વલસાડ તથા ભરૂચ જિલ્લાના વિસ્તારમાંથી જ્યાં જ્યાંથી બુલેટ ટ્રેનનો ટ્રેક પસાર થવાનો છે એ તમામ અસરગ્રસ્ત વિસ્તારો, અસરગ્રસ્ત ગામડાઓની મુલાકાત તો લેશે. સાથોસાથે જમીન ગુમાવનારા ખેડૂતોને પણ જીકા કંપનીના અધિકારીઓ મળવાના છે.

તા.7-12-18ના રોજ બપોરે 12.30 કલાકે નવસારી જિલ્લાના આમડપોર ગામ ખાતે નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો સાથે મુલાકાત કરીને તેઓની રજૂઆત સાંભળશે. ત્યાર બાદ બપોરે ત્રણ કલાકે કામરેજ કાલુકાના કઠોર ગામ ખાતે સ્વામિનારાયણ મંદિરની પાછળ બીજી બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે. આ બેઠકમાં સુરત તથા ભરૂચના અસરગ્રસ્ત ખેડૂતોને સાંભળશે. ત્યાંથી આ ટીમ કઠોર ગામમાં જે મકાનો બુલેટ ટ્રેનના કારણે સંપાદન થવાના છે તે મકાનોની પણ મુલાકાત લેશે.

બીજા દિવસે એટલે કે તા. 8મી ને શનિવારના રોજ સવારે નવ કલાકે સુરત ખાતે જીકા કંપનીના અધિકારીઓ સાથે ખેડૂત સમાજના આગેવાનો અને અસરગ્રસ્ત 21 ખેડૂતો સાથે બેઠક મળશે. આ બેઠક બાદ શનિવારે ટીમ પરત દિલ્હી જશે.