મેરાન્યૂઝ નેટવર્ક.જેતપુર: તાજેતરમાં ગોંડલમાંથી કોઈપણ ડિગ્રી વિના ડોક્ટર બની લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો નકલી ડોક્ટર ઝડપાયો હતો. ત્યારે આજરોજ શહેરના પછાત વિસ્તારના લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વધુ ત્રણ મુન્નાભાઈ MBBS ઝડપાયા છે. એકબીજાની અત્યંત નજીકમાં ક્લિનિક ધરાવતા આ ત્રણેય નકલી ડોક્ટરોને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જેતપુરના ભોજાધાર વિસ્તારમાં ત્રણેક ડોક્ટરો કોઈપણ પ્રકારની ડિગ્રી વગર ઓરડીઓમાં દવાખાના ખોલીને ગરીબ લોકોના આરોગ્ય સાથે રમત કરતા હોવાની માહિતી પોલીસને મળી હતી. બાતમીને આધારે પોલીસે દરોડો પાડી વિજય મોહનભાઈ છાંટબાર, અને અજય મહીપતભાઈ દેવમુરારી સહિત મહિલા નકલી ડોક્ટર જશુમતી રમેશભાઈ સોલંકીને દબોચી લીધા હતા. આ ડોક્ટરોના નાનકડી ઓરડીમાં ચાલતા દવાખાનાની તલાશી લેતા તેમાંથી એલોપેથી દવાઓ, ઇન્જેક્શનસ, પાટાઓ તેમજ ડોકટરી સાધનો પણ પોલીસે કબ્જે કર્યા હતા. અને ત્રણેય નકલી ડોક્ટરોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.