મેરાન્યૂઝ નેટવર્ક, જેતપુર: ચાલુ વર્ષે એક તરફ અપૂરતા વરસાદને લઈને જગતનો તાત મુશ્કેલીમાં છે. બીજી તરફ પાકવીમાનું પ્રીમિયમ ભરવા છતાં વીમાની રકમ નહીં મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેતપુર તાલુકાના 15 ગામના ખેડૂતોએ અગાઉ પણ પાક વીમાને બિરબલની ખીચડી સમાન ગણાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્યારે આજ રોજ આ ખેડૂતોએ પાકવીમાની માંગ સાથે ઉઘાડા પગે દેરડીથી ખોડલધામ સુધીની પદયાત્રા યોજી હતી અને યાત્રામાં જય જવાન જય કિશાનના નારા લગાવ્યા હતા.

જેતપુર તાલુકાના 15 ગામના ખેડૂતોને વર્ષ 2016-17નો પાક વીમો હજુ સુધી મળ્યો નથી. આથી બે દિવસ પહેલા 'બિરબલની ખીચડી પાકતી નથી અને ખેડૂતોને પાક વીમો મળતો નથી' તેવા સુત્ર સાથે ખેડૂતોએ દેખાવ કર્યા હતા. જ્યારે ગુરૂવારે દેરડીથી ખોડલધામ સુધી ઢોલ નગારા અને 'જય જવાન જય કિસાન' અને 'વંદેમાતરમ'ના નારા સાથે ખુલ્લા પગે પદયાત્રા યોજી હતી. જેમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોવા મળી હતી.