મેરાન્યૂઝ નેટવર્ક.જેતપુર: જેતપુરમાં રહેતા આહિર કારખાનેદારની પત્નીને સાસુ સાથે બનતું ન હોય આહિર મહિલાએ કોલેજિયન પુત્રી સાથે મળી વયોવૃદ્ધ સાસુને માથામાં દસ્તાના ઘા ઝીંકી હત્યા કરી નાખ્યાનો બનાવ સીસીટીવી કેમેરાએ ઉકેલી નાખ્યો હતો. પોલીસે માતા-પુત્રીની ધરપકડ કરી હત્યામાં ઉપયોગમાં લેવાયેલ દસ્તો અને કપડા કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

માણાવદરના રફાળા ગામે રહેતા સોરઠિયા આહિર રતનબેન અશોકભાઈ જલુ નામના વૃદ્ધા જેતપુરના સરદારચોક નજીક રહેતા હતા. તેઓ ગત તારીખ 27ના રોજ રબારીકા રોડ પર સાડીનું કારખાનું ધરાવતા પુત્ર કનુભાઈ જલુના ઘેર આવ્યા હતા. જ્યાંથી રતનબેનને અચાનક એપાર્ટમેન્ટના દાદરા ઉતરતા પડી જતા ઈજા થવાથી હોસ્પિટલમા ખસેડાયા હતા. અને ટૂંકી સારવાર બાદ તેમનું મોત નિપજતા મૃતદેહને પીએમ માટે ખસેડાયો હતો. જ્યાં તબીબે શંકા વ્યક્ત કરતા મૃતદેહ રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

રાજકોટમાં થયેલા ફોરેન્સિક પીએમમાં મૃતક રતનબેનનું મૃત્યુ માથામાં બોથડ પદાર્થ મારવાથી થયાનું ખુલ્યું હતું. જેને પગલે પોલીસે તપાસ હાથ ધરીને એપાર્ટમેન્ટમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપસ્યા હતા. આ સીસીટીવીમાં મૃતક રતનબેનને બે મહિલાઓ ખેંચીને સીડી સુધી લઈ જતા હોવાનું ખુલતા પોલીસે મૃતક રતનબેનની પુત્રવધૂ રેખાબેન અને પૌત્રી હેતલની આકરી પૂછતાછ કરતા માતા-પુત્રીએ રતનબેનને દસ્તાના ઘા ઝીંકી હત્યા કર્યાની કબૂલાત આપી હતી. 

રેખાબેને કબૂલ કર્યું હતું કે, લગ્ન બાદથી જ પોતાને સાસુ સાથે બનતું ન હોવાથી અલગ રહેતા હતા અને કયારેક સાસુ-સસરા જેતપુર આવતા હતા. બનાવના દિવસે સૌએ ચા-નાસ્તો કર્યા બાદ અડદિયા બનાવવા બાબતે ઘર્ષણ થયું હતું. જેને લઈને પોતે ઉશ્કેરાઈને સાસુ રતનબેનને માથામાં લોખંડનો દસ્તો ફટકારી દીધો હતો. અને બાદમાં પુત્રી સાથે મળી બનાવ અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સીસીટીવી કેમેરાએ પર્દાફાશ કરી દીધો હતો. આ અંગે પોલીસે વંથલીના કુભડી ગામે રહેતી મૃતક રતનબેનની પુત્રી વર્ષાબેન મુકેશભાઈ જાદવની ફરિયાદ પરથી રેખાબેન કનુભાઈ જલુ અને હેતલ કનુભાઈ જલુ વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.