મેરાન્યૂઝ નેટવર્ક.આણંદઃ નરેન્દ્ર મોદીની ગુજરાત સરકાર દરમિયાન મંત્રી પદ પર રહી ચુકેલા ભાજપના પીઢ નેતા જયનારાયણ વ્યાસ આણંદ એસપી યુનિવર્સિટીમાં કાર્યક્રમ દરમિયાન હાજરી આપવા આવ્યા હતા. તેમણે આ દરમિયાન સરકાર દ્વારા જાહેર કરાયેલા વચગાળાના બજેટ અંગે કહ્યું હતું. તેમણે કહ્યું કે ખેડૂતોને ખરેખર રૂ.6 હજાર વાર્ષિકની નહીં પરંતુ પોષણક્ષમ ભાવોની જરૂર છે.

આણંદ ખાતે વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે વચગાળાના બજેટ પર યોજાયેલા કાર્યક્રમમાં જયનારાયણ વ્યાસએ હાજરી આપી હતી. વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, આ દેશના જીડીપીનો 55 ટકા વહેવાર રોકડમાં થાય છે. તેથી નોટબંધી કરવી નિરર્થક છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ અને ખેતીક્ષેત્રમાં જો અમૂલ મોડલ અપનાવીએ તો ગુજરાતના ગામડાં સમૃદ્ધ થઈ શકે. સરકારની ખેડૂતોને રૂા. છ હજારની સબસિડીની તેમણે ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વચગાળાનું બજેટ હોવા છતાં પણ આ બજેટ એકંદરે સારૂં છે. જીએસટી અંગે જોકે તેમણે સરકારની પ્રશંસા કરી હતી.