મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ:  ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની તાજેતરમાં ચાલુ ટ્રેનમાં હત્યા થઇ હતી અને તેના હત્યારાઓને પણ પોલીસે ઝડપી લીધા છે. ત્યારે હત્યાના ત્રણેક દિવસ પહેલા કચ્છમાં જયંતિ ભાનુશાળીએ એક ધાર્મિક કાર્યક્રમમાં લીધેલ દાંડિયા રાસનો વીડિયો સામે આવ્યો છે. આ દરમિયાન ઉપસ્થિત લોકો ભાનુશાળી પર રૂપિયા વરસાવી રહ્યા હતા.

અમદાવાદના નરોડા વિસ્તારમાં જ્યારે જયંતિ ભાનુશાળી બારદાનનો ધંધો કરતા હતા ત્યારે પૈસા ઓછા હતા પરંતુ જિંદગીમાં શાંતિ હતી. પરંતુ 2007માં જયંતિ ભાનુશાળીને ભાજપે અબડાસાની વિધાનસભાની ટિકિટ આપી અને જિંદગીમાં કલ્પના કરી ન્હોતી એટલી સંપત્તી અને પ્રતિષ્ઠા મળી, પણ એક દસક જ તેઓ અને તેમનો પરિવાર સુખને ભોગવી શક્યા અને ત્યાર બાદ એક પછી ઘટનાઓ એવી બની કે જયંતિ ભાનુશાળીની જિંદગી ખરાબ થઈ ગઈ.

અઢળક સંપત્તિ કમાયા પછી સંતોષનો અહેસાસ થવાને બદલે ભાનુશાળી વધુને વધુ કમાવવાની હોડમાં લાગ્યા હતા. આ હોડમાં તેમણે જીંદગીની તમામ નીતિ નિયમો બાજુ ઉપર મુકી દીધા હોય તેવુ લાગતુ હતું. સંપત્તિ પોતાની સાથે અનેક દુશ્મનોને પણ લઈ આવી હતી. તા. 3 જાન્યુઆરી 2019ના રોજ ભુજ પહોચેલા જયંતિ ભાનુશાળીને કલ્પના પણ ન્હોતી કે કદાચ તેમની ભુજની આ મુલાકાત જીંદગીને છેલ્લી સફર થઈ જશે.

કચ્છમાં ભાનુશાળીના બે-ત્રણ જાહેર કાર્યક્રમો પણ હતા, જે બધા અગાઉથી નક્કી થયા પ્રમાણેના હતા. જેમાં એક કાર્યક્રમ નખત્રાણામાં ભાનુશાળી સમાજનો જ હતો. આ રાતા તલાવ મંદિર છે જે એક સંતની ધાર્મિક સંસ્થા છે. આ સંસ્થાના ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા જયંતિ ભાનુશાળી આવ્યા હતા અને ત્યાં તેમણે સમારંભમાં દાંડિયા રાસ પણ લીધો હતો. જે  તેમનો છેલ્લો નાચ હતો. જુઓ તેમનો આ છેલ્લો વીડિયો.