મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા..ની વાતો કરનાર ભાજપના મોટાં માથાઓએ કચ્છના રણમાં ખાધેલી મીઠી ખારેકનાં રહસ્યોને છુપાવવા માટે રાજકીય આગેવાન જયંતી ભાનુશાળીનો ભોગ લેવાયો હોવાનું જણાવતા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું છે કે, ભાજપના શાસનમાં ભયનું રાજ છે. આ ઉપરાંત  લોકરક્ષક પરીક્ષામાં ભાજપના મુઠ્ઠીભર મળતીયાઓને ગોઠવવા માટે પેપર પરથી બારકોટેડ સ્ટીકર હટાવી દેવામાં આવ્યા હોવાનો તેમણે આરોપ કર્યો છે.

ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની થયેલી હત્યા અંગે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, ૨૦૧૪ની ચુંટણી પહેલા શાંતિની દુહાઈ દેનાર નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્યમાં જ ભાજપના પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ અને પૂર્વ ધારાસભ્યની પોઈન્ટ બ્લેન્ક ગોળી મારી કરાયેલી હત્યાથી રાજકીય હત્યાનો ઈતિહાસ દોહારાયો છે. સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોવાનું જણાવતા તેમણે કહ્યું કે, રાજ્યમાં લોકશાહી મારી પરવારી છે ત્યારે કચ્છની મીઠી ખારેક ખાનાર ભાજપના કેટલાક માથાઓનાં રહસ્યો ઘરબાવવા માટે જયાની ભાનુશાળીના લમણે બંદુક મારવામાં આવી હોવાની પુરેપુરી શકયતા છે.

તેમણે વધુમાં કહ્યું કે, સીબીઆઈમાં સત્યને છુપાવવા માટે ભાજપ અને કેન્દ્ર સરકારે કરેલા પ્રયાસને સુપ્રીમ કોર્ટે ઝાટકો આપ્યો છે. જ્યારે લોકરક્ષકની ફરી લેવાયેલી પરીક્ષામાં પહેલા પેપર ફોડવામાં સફળ રહ્યા બાદ સત્ય છુપાવવામાં આવી રહ્યું છે. જ્યારે બીજીવાર લેવાયેલી આ પરીક્ષામાં ભાજપના મુઠ્ઠીભર મળતીયાઓને લોકરક્ષકમાં ગોઠવવા માટે પેપર પરથી બારકોટેડ સ્ટીકર હટાવી દેવામાં આવ્યા છે. જેમાં પેપર તપાસનાર ભાજપ સરકારના ઈશારે મળતીયાઓની ભરતી કરી શકે તે માટે આ કરવામાં અઆવ્યું હોવાનું તેમણે જણાવ્યું છે.