પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ):  ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યા બાદ  તેમના આરોપી સુધી પહોંચવુ પોલીસ અને સરકાર માટે આબરૂનો વિષય બની ગયુ હતું. આ હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસની દસ કરતા વધુ ટીમો કામ કરી રહી હતી. પરંતુ દરેક પોતાની કામગીરીની અત્યંત ગુપ્ત રાખી આગળ વધી  રહ્યા હતા. હત્યારા સુધી પહોંચવા માટે પોલીસે શરૂ કરેલ ઓપરેશન આ રીતે છ સ્ટેપમાં પાર પડ્યું હતું.

(1) પોલીસની તપાસ શરૂ થઈ તા. 3 જાન્યુઆરીથી જ્યારે જયંતિ ભાનુશાળી, મનિષા ગોસ્વામી, સુરજીત અને શેખર ભુજ ઓરપોર્ટ ઉપર આવે છે. પોલીસે એરપોર્ટના સીસીટીવી ફુટેઝ જોવાની શરૂઆત કરી જેમાં એક ઈનોવા કાર આ તમામને લેવા માટે એરપોર્ટ ઉપર આવે છે. પોલીસે ઈનોવા કારના નંબરના આધારે માલિકને શોધી કાઢ્યો અને આ વ્યક્તિના નામની કેટલી કાર છે તેની જાણકારી મેળવી હતી. આ વ્યક્તિ મનિષાના કહેવાથી પોતાની કાર લઈ એરપોર્ટ ઉપર આવ્યાની માહિતી કબુલે છે. જો કે પહેલી શરૂઆતની માહિતી આગળ જતા કેટલી ફળદાઈ થવાની છે તે પોલીસને ખબર ન્હોતી.

(2) પોલીસની એક ટીમ ભુજ રેલવે સ્ટેશન પહોંચે છે ત્યાં પણ સીસીટીવી ફુટેઝ તપાસે છે પણ ત્યાંથી કોઈ કડી મળતી નથી. પરંતુ ભુજ રેલવે સ્ટેશન ઉપરથી થયેલા ફોનની તપાસ કરતા કેટલાંક શંકાસ્પદ ફોન નંબર પોલીસને હાથ લાગે છે. જેમાં ભુલ રેલવે સ્ટેશનથી ફોન થાય તે ફોન ગાંધીધામ જાય છે, જેમાં જયંતિ ભાનુશાળી ભુજથી સયાજી એક્સપ્રેસમાં બેસે છે તેની જાણકારી ગાંધીધામ પહોચાડવામાં આવે છે. પોલીસે ભુજથી ફોન કરનારને ઓળખી લીધો અને ગાંધીધામ  ફોન રિસિવ કરનારની ઓળખ કરી લીધી. એક વાત સ્પષ્ટ થઈ કે શુટરો ગાંધીધામથી ટ્રેનમાં બેઠા હતા.

(3) પહેલી વખત ખોટુ બોલનાર જયંતિ ભાનુશાળીના સહપ્રવાસી પવન મોરે અને કોચ એટેન્ડન્ટ વિનયની પોલીસ પૂછપરછ કરે છે. તેઓ કબુલ કરે છે કે તેમણે ભાનુશાળની હત્યા થતી જોઈ હતી પણ તેઓ ડરી ગયા અને બાથરૂમમાં જઈ સંતાય જાય છે. પોલીસને શુટરનું વર્ણન પુછ્યુ તો પોલીસને અંદાજ આવી ગયો કે ભુજ એરપોર્ટ ઉપર સીસીટીવીમાં નજરે પડતા સુરજીત અને શેખર સાથે તેમનું વર્ણન મળતુ આવતુ હતું. પરંતુ હજી પોલીસ પાસે નક્કર આધાર ન્હોતો કે તેમણે જ ભાનુશાળીને ગોળી મારી છે.

(4) હત્યા બાદ ટ્રેનમાં ચેઈન પુલીંગ થાય છે અને ટ્રેન રોકાય છે ત્યાંની આસપાસના સીસીટીવી પોલીસ ચેક કરે છે. પરંતુ ક્યાંય કોઈ શંકાસ્પદ વ્યક્તિઓ નજરે પડતી નથી. એક સ્થળે બહુ જ આછા ફુટેઝ નજરે પડે છે પરંતુ તેમના ચહેરા જોઈ શકાતા નથી. પોલીસ આ ફુટેઝ પવન મોરેને બતાડે છે. તે તરત ઓળખી બતાડે છે કે આ જ શુટર છે. પોલીસને હજી પવન ઉપર ભરોસો થતો નથી, પરંતુ પવન પોલીસને જણાવે છે કે તેમના હાથમાં એક બેગ છે તે બેગ ભાનુશાળીની માની તેઓ લઈ જાય છે ખરેખર તે બેગ પવન મોરેની હોય છે. આમ પવનની બેગને કારણે પહેલી વખત શુટર ઓળખાય છે.

(5) જો કે શુટર કઈ તરફ ગયા તેની માહિતી મળતી નથી. પરંતુ પોલીસ તેની આસપાસના મોબાઈલ નંબર તપાસે છે તો ત્યાંથી ભુજ ફોન થયાની જાણકારી મળે છે. આ નંબર મનિષા ગોસ્વામીનો ખાનગી નંબર છે. સંભવ છે કે કામ થઈ ગયુ તેવી જાણકારી મનિષાને આપવામાં આવે છે. પરંતુ હજી શુટર કઈ તરફ ગયા તે શોધવાનું બાકી છે.

(6) શુટરને ભાગવા માટે કોઈ વાહનની જરૂર પડી હશે તેના કારણે પોલીસ તેમને વાહન પુરુ પાડી શકે તેવી વ્યક્તિ ઉપર ધ્યાન કેન્દ્રીત કરે છે. જેમાં ભુજ એરપોર્ટ ઉપર ઈનોવા કાર મોકલનાર વ્યક્તિ રડારમાં આવે છે. તેની માલિકીના વાહનોના નંબર પોલીસ પાસે હતા. પોલીસ આ તમામ નંબરો શામખીયાળી ચેક પોસ્ટ ઉપર મેચ કરે છે તો એક કાર જેમાં બેઠેલી વ્યક્તિઓ નજરે પડતી નથી. પરંતુ ભુજ ઈનોવા મોકનારની જ બીજી કાર ત્યાંથી પસાર થતી જોવા મળે છે. તે કાર ભુજ તરફ જાય છે, તેનો અર્થ શુટર પાછા ભુજ તરફ ગયા છે તેવુ માની પોલીસ તપાસ હવે કચ્છ તરફ કેન્દ્ર કરે છે. એક પછી એક આરોપી પોલીસ પાસે આવતા જાય છે.