મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: ભાજપના નેતા જયંતિ ભાનુશાળી ચાલુ ટ્રેનમાં થયેલી હત્યા બાદ પોલીસની ઊંઘ હરામ થઈ હતી. ગુજરાત એટીએસ, સીઆઈડી ક્રાઈમ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમો અલગ અલગ રીતે તપાસ કરી રહી હતી. જયંતિ ભાનુશાળીની હત્યા બાદ નોંધાયેલી ફરિયાદ બાદ ભાનુશાળી પરિવારે જેમની તરફ શંકા વ્યક્ત કરી હતી તે તમામની તપાસ શરૂ કરવામાં આવતા સૌથી પહેલા મનિષા ગોસ્વામી ગુમ થઈ હોવાની જાણકારી પોલીસને મળતા મનિષા તરફ વધુ શંકા ગઈ હતી. પરંતુ પોલીસને આશ્ચર્ય ત્યારે થયુ કે પોલીસે જ્યારે જયંતિ ભાનુશાળી અને મનિષા ગોસ્વામી ભુજ ક્યારે પહોંચ્યા તેની તપાસ કરી તો ખબર પડી કે ભાનુશાળી અને હત્યારા બંને એકસાથે તા. 3 જાન્યુઆરી 2019ના રોજ મુંબઈથી ભુજ એક જ પ્લેનમાં સાથે આવ્યા હતા.

પોલીસે તપાસ શરૂ કરતા જાણકારી મળી કે જયંતિ ભાનુશાળી ભુજ આવ્યા તે પહેલા મુંબઈ હતા અને મુંબઈના એક એજન્ટ દ્વારા પહેલા ભુજની સાત ટિકિટ બુક કરવામાં આવી હતી. પોલીસે આ સાત વ્યક્તિઓ કોણ હતી તેની તપાસ કરતા આશ્ચર્ય થયુ હતું કારણ તેમા જયંતિ ભાનુશાળી સહિત મનિષા અને શાર્ટ શુટર શેખર અને સુરજીત પણ હતા. આ તમામ એક સાથે ભુજ આવ્યા હતા. પોલીસે ભુજ એરપોર્ટના સીસીટીવી જોતા તેમને એક ઈનોવા કાર લેવા આવી હોવાની જાણકારી મળી હતી. પોલીસે આ ઈનોવા કાર કોની હતી અને કોણે મોકલી હતી તેની તપાસ કરતા કાર મનિષાના કોઈ પરિચિતની હોવાનું માલુમ પડ્યુ હતું. પોલીસે કાર મોકલનાર પાસે કુલ કેટલી કાર છે તેની પણ તપાસ કરી હતી.

આમ પોલીસની તપાસમાં ફલિત થયુ કે તા. 3 જાન્યુઆરી સુધી મનિષા અને ભાનુશાળી સાથે બધુ બરાબર ચાલી રહ્યુ હતું. પરંતુ ભુજ આવ્યા બાદ તેમની વચ્ચે કોઈ મુ્દ્દે વાંધો પડ્યો હતો જેના કારણે ભાનુશાળીની હત્યા કરવામાં આવી હતી. આમ હજી થોડા દિવસ પહેલા ભાનુશાળીને જેમની ઉપર ભરોસો હતો તેમણે ભાનુશાળીની હત્યા કરી હતી. પોલીસ હત્યાના કારણોની તપાસ ચલાવી રહી છે.