મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ પોતાના પૈસા અને સત્તાની તાકાત કાયમ રાખવા માટે કાયમ લડાઈ થતી રહી છે. આવી જ લડાઈ છબીલ પટેલ અને જયંતિ ભાનુશાળી વચ્ચે પણ થઈ જેનો અંજામ એવો આવ્યો કે છબીલ પટેલે જયંતિ ભાનુશાળીનો કાંટો કાયમ માટે કાઢી નાખ્યો હતો, પણ હવે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે પોલીસ કસ્ટડીમં રહેલા છબીલ પટેલ પણને પણ ખુદને મોતનો ભય લાગી રહ્યો છે.  છબીલ પટેલની પુછપરછ કરી રહેલા પોલીસ અધિકારી જ્યારે મનિષા ગોસ્વામી અને સુરજીત ભાઉના નામનો ઉલ્લેખ કરે છે તેની સાથે છબીલ મોંઢુ બંધ કરી લે છે અને ચહેરા ઉપર ડર દોડી આવે છે.

અબડાસાની બેઠક ઉપર શરૂ થયેલી લડાઈમાં એક બીજા ઉપર ખોટા કેસ કરાવવાની શરૂઆત જયંતિ ભાનુશાળી અને છબીલ પટેલે શરૂ કરી હતી, પરંતુ છબીલને ડર લાગ્યો કે જયંતિ તેને જીવવા દેશે નહીં, તે ડરમાં છબીલ પટેલે કાયમ માટે પ્રશ્નનો અંત લાવવા માટે જયંતિની હત્યા કરાવી દેવાનો નિર્ણય કર્યો હતો, જો કે વેપારી છબીલનુ ગજુ ન્હોતુ કે તે પોતે જયંતિની હત્યા કરે અથવા કરાવી શકે તેના માટે તેને કોઈની મદદ જોઈતી હતી. એક વખત જયંતિની સ્ત્રી મિત્ર રહેલી મનિષા ગોસ્વામી જેને જયંતિ સાથે પૈસાનો વાંધો પડતો તે પણ બદલો લેવા માગતી હતી. આમ છબીલ અને મનિષાનો એક જ દુશ્મન હોવાને કારણે બંન્ને મિત્રો થઈ ગયા હતા.

જયંતિ છુટા પડયા પછી મનિષાના જીવનમાં સુરજીત ભાઉનું આગમન થયુ હતું કે મહારાષ્ટ્રના પુનાનો ગેંગસ્ટર હતો, પુના સયાજીનગર અને લક્ષ્મીનગરના ટપોરીઓની મદદ લઈ નાના મોટા ક્રાઈમ કરતો હતો અને ખંડણી સહિત હત્યાના ગુનાઓમાં તે ચરસીઓનો ઉપયોગ કરતો હતો. આમ ગરીબ માણસોને હાથો બનાવી તે તેમની પાસે ગુનો કરાવી પોતે સલામત અને પોલીસની નજરથી દુર રહેતો હતો. મનિષાએ જયારે છબીલને પટેલને વાત કરી તે જયંતિનો કાંટો કાઢી નાખવામાં સુરજીત તેને મદદ કરી શકે છે. ત્યારે સુરજીત-મનિષા અને છબીલ પટેલ વચ્ચે મિટીંગ થઈ હતી., આ બધી બાબત હત્યાનું કામ લેનાર વિશાલ કાંબલેએ પોલીસને જણાવી હતી.,

સુરજીત ભાઉએ જયંતિની હત્યા માટે ભાડુતી મારાઓ લાવી આપવાનું કામ લીધુ હતું અને છબીલ પટેલે તે માટે રકમ ચુકવવાની તૈયારી બતાડતા સુરજીતે હત્યારાઓની વ્યવસ્થા પણ કરાવી આપી હતી., જયંતિની હત્યા પછી ભાગી છુટેલા છબીલ પટેલે ઉપર સુરજીત ભાઉ અને મનિષા સતત દબાણ કરતા હતા કે છબીલ પોતાના પૈસા અને વગનો ઉપયોગ કરી આખા મામલામાં મનિષા અને સુરજીત ભાઉને આ કેસથી દુર રાખે, જેના કારણે છબીલ પટેલે આખો મામલો પોતાની ઉપર લઈ લેવાની તૈયારી બતાડી હતી, છબીલની ઈચ્છા હતી કે પોતાનો પુત્ર સિધ્ધાર્થ, મનિષા અને ભાઉ આ કેસમાંથી નિકળી જાય,

પરંતુ ગોઠવણનો પ્રયત્ન કરવા છતાં તેવુ નહીં થતાં પહેલા સિધ્ધાર્થે પોલીસ સામે શરણાગતી સ્વીકારી હતી અને બાદમાં છબીલ પટેલ પણ પોલીસ સામે હાજર થઈ ગયો છે. પરંતુ પોલીસ કસ્ટડીમાં રહેલા છબીલ પટેલને સુરજીત ભાઉનો ડર લાગી રહ્યો છે. છબીલ પટેલ માને છે કે સુરજીતની ધરપકડ થઈ તો ગમે ત્યારે સુરજીત છબીલની પણ હત્યા કરાવી નાખશે એટલે જયારે સુુરજીતના નામનો ઉલ્લેખ આવતા છબીલ પટેલ બોલી ઉઠે છે કે આ કેસમાં મનિષા અને સુરજીતને લઈ લેવા દેવા નથી. આમ છબીલના ચહેરા ઉપર પોલીસ સુરજીતનો ખૌફ જોઈ શકે છે. જો કે પોલીસ પાસે પુરતા પુરાવા છે તેમાં સુરજીત દ્વારા છબીલ પટેલને હત્યારાઓ સાથે મિટીંગ કરાવી આપવામાં આવી હતી.

પોલીસની તપાસમાં બહાર આવ્યુ કે સુરજીતે મહારાષ્ટ્રની મોટી ગેંગો અને મહારાષ્ટ્રના અનેક મોટા નેતાઓ સાથે પોતાને સંબંધ હોવાની એક છબી લોકોમાં ઉભી કરી છે જેના કારણે સામાન્ય લોકો સુરજીત સામે ફરિયાદ કરવાની અથવા તેના અંગે બોલવાની હિમંત કરતા નથી, આ જ પ્રકારના હાઉનો શિકાર છબીલ પટેલ પણ થઈ ગયો છે. હવે સ્થિતિ એવી છે કે જયંતિની હત્યા કરાવનાર છબીલ ખુદને હવે સુરજીત ભાઉ તેને મરાવી નાખશે તેવો ડર લાગી રહ્યો છે કદાચ આ ડરને કર્મનો સિધ્ધાંત કહેવામાં આવતો હશે.