મેરાન્યૂઝ નેટવર્ક.જસદણ: પેટાચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ દ્વારા ખાસ એડીચોટીનું જોર લગાવાઇ રહ્યું છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અને આગેવાન દ્વારા પૂર્વ સરપંચ અને કુંવરજીના ટેકેદારને લાંચ આપવાનો પ્રયાસ કર્યાની ઓડીયોક્લિપ વાયરલ થતા રાજકારણ ગરમાયુ છે. આ અંગે પાંચવાડાના પૂર્વ સરપંચ મધુકાંત ટાઢાણીએ ભાજપ અગ્રણીઓ સાથે મળીને ચૂંટણીપંચમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા અને આગેવાન ગજેન્દ્ર રામાણી દ્વારા કોંગ્રેસની સભા સહિતના વિવિધ કામ કરવા માટે પોતાને રૂપિયા 25 હજારની લાંચ આપવાનો પ્રયાસ થયો હોવાનું જણાવાયું છે. મધુકાંત ટાઢાણી દ્વારા આ વાતની સાબિતી માટેની ઓડીયો ક્લિપ પણ રજૂ કરવામાં આવી છે. હાલ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ પણ ભાજપ દ્વારા હાથ ધરવામાં આવી છે.

ઓડીયોક્લિપમાં સ્પષ્ટ સાંભળી શકાય છે કે, લલિત કગથરા મધુકાંતને ફોન કરીને રૂ. 25 હજાર લઈ જવા જણાવે છે. જ્યારે અન્ય ઓડીયો ક્લિપમાં તેઓ ફરી પૂર્વ સરપંચને પાંચવાડામાં કોંગ્રેસની સભા ગોઠવી આપવાનું જણાવી રહ્યા છે. મધુકાંત જ્યારે આ કામ અન્ય કોઈને સોંપવાનું કહે છે ત્યારે પણ આગ્રહપૂર્વક તેને આ કામ કરવા જણાવાઈ રહ્યું છે. જો કે આ ઓડીયો ક્લિપમાં ખરેખર કેટલું સત્ય છે તે તપાસનો વિષય છે, પરંતુ હાલ આ ઓડીયો ક્લિપની ચર્ચા ટોક ઓફ ટાઉન બની ગઈ છે.