મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : જસદણ પેટાચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે અને બંને પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરાઈ રહ્યો છે. ત્યારે શહેરની સિવિલ હોસ્પિટલની દિવાલો પર મોટા-મોટા અક્ષરોમાં 'ગુલામી હવે બંધ, કુંવરજી હારે છે..' તેવું લખાણ લખાતા રાજકારણ ગરમાયુ છે. ભાજપ દ્વારા આ લખાણ મામલે કુંવરજીની છબી ખરાબ કરવા માટે વિરોધપક્ષ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરાયો છે. તો કોંગ્રેસ દ્વારા આ લખાણ જનતાનો અવાજ હોવાનું ગણાવવામાં આવી રહ્યું છે. આ પ્રકારનું લખાણ અન્ય ઘણા સ્થળો પર પણ જોવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, જસદણ પેટા ચૂંટણીને કારણે ગુજરાતનું રાજકારણ ભારે ડહોળ્યું છે. આ ચૂંટણીમાં એક તરફ ભાજપે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કુંવરજી બાવળીયાને મેદાને ઉતાર્યા છે તો તેમની સામે તેમના રાજકીય સાથી રહી ચુકેલા અવસર નાકિયાને કોંગ્રેસે ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. આગામી સમયમાં જ આ બેઠકમાં જનતા મતદાન કરીને તે જંગ કોણે જીતી છે તેનો નિર્ણય કરી દેશે.