મેરાન્યૂઝ નેટવર્ક.જસદણ: આગામી 20મી ડિસેમ્બરે યોજાનાર જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને તંત્ર દ્વારા પણ તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે SRPની 6 કંપનીઓ ઉતારી દેવામાં આવી છે. આ પેટાચૂંટણીમાં 2,32,000 મતદારો નોંધાયા છે અને 262 મતદાન મથકો છે. જે પૈકી સંવેદનશીલ 72 લોકેશન અને 126 મતદાન મથકો પર હાફ સેક્શન SRPની ટીમ તૈનાત કરાશે. તેમજ પ્રથમ વખત મહિલાઓ સંચાલિત બે બુથ ઉપરાંત દિવ્યાંગો માટે અલગ બુથની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.રાહુલ ગુપ્તાના જણાવ્યા મુજબ, જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઇ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે મતદાન મથકો પર પેરા મિલિટરી ફોર્સનો બંદોબસ્ત મૂકવામાં આવશે. આ માટે SRPની 6 કંપનીઓ આવી પહોંચી છે. ખાસ કરીને સંવેદનશીલ મતદાન મથકો પર વધારાનો ચૂસ્ત બંદોબસ્ત મૂકવામાં આવશે. કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા છેલ્લી બે ચૂંટણીથી મહિલા મતદાન મથકની નવી સિસ્ટમ અમલી કરાઇ છે.

જેમાં વિધાનસભા બેઠક દીઠ એક મહિલા મતદાન મથક રાખવામાં આવતું હતું. અને તેમાં ફરજ બજાવનારા સ્ટાફ માટે ડ્રેસ કલર કોડ હતો. જેના બદલે આ પેટાચૂંટણી માટે બે મહિલા મતદાન મથકો રાખવામાં આવ્યા છે. જેમાં એક મહિલા મતદાન મથક ડીએસવીકે હાઇસ્કૂલ ખાતે મતદાન મથક નં.119 અને બીજુ મહિલા મતદાન મથક સરદાર પટેલ પ્રાથમિક શાળા મતદાન મથક નં.143 છે. જો કે આ મહિલા મતદાન મથકમાં ફરજ બજાવનાર સ્ટાફનો ડ્રેસ કલરકોડ દૂર કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત વાજસુરપરા ખાતે શારીરિક અક્ષમ મતદારો માટે ખાસ મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે. તેમજ અન્ય મતદાન મથકો પર રેમ્પ, વ્હિલચેર સહિતની જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. અને ચૂંટણીના દિવસે જસદણમાં જાહેર રજા રાખવામાં આવનાર હોવાનું પણ તેમણે કહ્યું હતું.