મેરાન્યૂઝ નેટવર્ક, જસદણ: આટકોટ પોલીસ સ્ટેશનના આર્મ્ડ હેડ કોન્સ્ટેબલ ગોપાલભાઈ જીકાજીભાઈ મકવાણાને રૂ .200ની લાંચ લેતા ભાવનગર એસીબીની ટીમે રંગેહાથે ઝડપી લેતા પોલીસ આલમમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ આટકોટ પોલીસ સ્ટેશનનાં આર્મ્ડ  હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા  ગોપાલભાઈ જીકાજીભાઈ મકવાણા (રહે. સિધ્ધાર્થ સોસાયટી, મોરબી) એ આટકોટ-રાજકોટ પેસેન્જરમાં ચાલતી ઇકો કારનો ચાલક આટકોટ પાસે પહોંચતા આટકોટનાં હેડ કોન્સ્ટેબલે તેની પાસેથી હપ્તા પેટે રૂ. ૩૦૦ની માંગણી કરતા જે લાંચની રકમ રૂ. 200 સ્વિકારી ટોલ ફ્રી નં.1064નાં આધારે સુપરવિઝન અધિકારી એ.આર.પટેલ, મદદનીશ નિયામક (જુનાગઢ), એ.સી.બી.પો.સ્ટે. ભાવનગરનાં ટ્રેપિંગ અધિકારી ઝેડ.જી.ચૌહાણ, સહિતનાઓએ આટકોટ ગામના બસસ્ટેન્ડ નજીક છટકું ગોઠવી હેડ કોન્સ્ટેબલને રંગેહાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી આરંભી હતી.

ઉલ્લેખનીય છે કે, જસદણ તાલુકાના આટકોટ ગામે બાયપાસ ચોકડી નજીક આટકોટ પોલીસ દ્વારા વાહનચાલકો પાસેથી ખુલ્લેઆમ હપ્તા ઉઘરાણા કરાતા હોવાની લોકોમાં બુમરાણ ઉઠી હતી. પરંતુ આજદિન સુધીમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા હપ્તાનાં ઉઘરાણા કરનારા પોલીસકર્મીઓ વિરુદ્ધ કોઈ જ પગલા લેવામાં આવતા ન હોવાથી વાહનચાલકોમાં ભારે નારાજગી ઉઠવા પામી હતી. ત્યારે ભાવનગર એસીબીની ટીમે આટકોટનાં આર્મ્ડ હેડ કોન્સ્ટેબલને રૂ. 200ની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડતાં વાહનચાલકોએ એસીબી પોલીસની કામગીરીને બિરદાવી હતી.