મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: જસદણ પેટાચૂંટણીને લઈ બંને પક્ષના રાષ્ટ્રીય નેતાઓએ જસદણમાં ધામા નાખ્યા છે ત્યારે કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ આજે આવી પહોંચ્યા હતા અને સ્થાનિક નેતાઓ સાથે બેઠક યોજી પરિસ્થિતિ જાણી હતી. બાદમાં મિડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, ભાજપની સરકાર તમામ મોરચે નિષ્ફળ નિવડી છે અને દેશના તમામ લોકો ભાજપના શાસનથી ત્રસ્ત છે. આમ પણ આ કોંગ્રેસની પરંપરાગત બેઠક હોવાથી જીત નિશ્ચિત છે. બીજીતરફ કુંવરજીએ એક ગ્રાન્ટેડ શાળા પર ઝંડા લગાવી કાર્યાલય ખોલતા આ સહિતના ત્રણેક મુદ્દે કોંગ્રેસે આચારસંહિતા ભંગની ફરિયાદ કરતા રાજકારણ ગરમાયુ છે.

વધુમાં સાતવે જણાવ્યું હતું કે, પાંચ રાજ્યોમાં આવેલા પરિણામ પરથી ચોક્કસ કહી શકાય કે, હાલ લોકોનું વલણ કોંગ્રેસ તરફી છે. તેમજ ચાલુ વર્ષે પડેલા દુષ્કાળની પરિસ્થિતિને પહોંચી વળવામાં કેન્દ્ર સરકાર નિષ્ફળ રહી છે. જેની અસર પણ આવનારા પરિણામમાં જોવા મળશે. ત્યારે જસદણ પેટાચૂંટણીમાં કોંગ્રેસની જીત થવી નિશ્ચિત છે.

જસદણના અમરાપુર ગામની આશ્રમ શાળામાં કુંવરજીનું કાર્યાલય ચાલે છે. તેમજ ચૂંટણી જાહેર થયા બાદ પણ તેમણે સમાજ કલ્યાણના લાભાર્થીઓને ફોર્મ વિતરણ કર્યા હતા. તેમજ ભાજપના અન્ય નેતાઓએ પણ આવા ફોર્મનું વિતરણ કર્યું હતું. જેને લઈને આ તમામ મુદ્દે કોંગ્રેસે આચારસંહિતા ભંગની ફરિયાદ કરી હતી. આ મામલે ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, આશ્રમ શાળા ખાતે બાવળિયાનું કાયમી નિવાસ્થાન હોઇ ત્યાં કાર્યાલય ખોલતા અટકાવી શકાય નહીં. બાકીના મુદ્દે તપાસ કરી જરૂર જણાય તો કાર્યવાહી કરવાની ખાતરી પણ તેમણે આપી છે.