મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ છોટી કાશી તરીકે ઓળખાતા જામનગર શહેરમાં લાંબા સમયથી મારફાડ અને જૂથ અથડામણના વધી રહેલા બનાવો વચ્ચે શાંતિ હણાઈ ગઈ હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે. ત્યારે ગત રાત્રે એક યુવાન પર ઘાતક હથિયારો વડે ચાર સખ્સો તૂટી પડ્યા હતા અને ખુલ્લેઆમ આડેધડ માર મારી ઢાળી દઈ નાશી ગયા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં આરોપીઓની ગુન્દાખોરી સામે આવતા કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. 

જામનગરમાં છેલ્લા લાંબા સમયથી ગુના ખોરીએ માથું ઉંચકતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ડામાડોળ થઇ ગઇ છે. જાહેરમાં ઘાતક હુમલા આમ બાબત બની ગઇ છે. વકીલ કિરીટ જોષીના મર્ડર બાદ સતત વધી રહેલા ગંભીર ગુનાખોરીના ગ્રાફમાં ગઇકાલે વધુ બે બનાવો નોંધાયા છે. શહેરના રોઝી પેટ્રોલ પંપ પાસે આશાપુરા સાઇકલ સ્ટોર્સ નજીક એક મોટરસાઇક ચાલક સાથે વાતચીત કરી રહેલા અનીલ જગદીશભાઇ થાપલીયા નામના મેર યુવાન પર ઘાતક હથીયારો સાથે પાછળથી આવી ચડેલા રાજભા લાલુભા દરબાર, કિરીટસિંહ લાલુભા, હરીશ બચુભાઇ અને એક અજાણ્યા સહિતના ચાર શખ્સોએ હુમલો કરી દીધો હતો. લોખંડની કુહાડીનો એક ઘા માથાપર લાગતા અનીલ ઘટના સ્થળે જ ઢળી પડ્યો હતો. દરમ્યાન ચારેય શખ્સોએ કુહાડી અને લાકડાના ધોકા વડે આડેધડ માર મારી અનીલની હત્યા નિપજાવવાની પ્રયાસ કર્યો હતો. સરાજાહેર કોઇ પણ જાતનો ભય રાખ્યા વગર આરોપીઓ વારદાતને અંજામ આપીને હથિયાર સાથે નાશી ગયા હતાં. દરમ્યાન ઘાયલ યુવાનને પ્રથમ ખાનગી હોસ્પિટલ બાદ જી. જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જયાંથી અન્ય ખાનગી હોસ્પિટલ લઇ જવાયા બાદ યુવાનને રાજકોટ ખસેડાયો હતો. ડોક્ટર્સએ યુવાનની હાલત ગંભીર ગણી છે. આ સમગ્ર ઘટના અંગે સંજય સવદાસભાઇ ગોરાણીયાએ આરોપીઓ સામે સીટી સી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપીઓ સાથે અગાઉ થયેલ માથાકુટની ફરિયાદને લઇને હુમલો કરાયો હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.

આ સમગ્ર વારદાત ઘટના સ્થળ નજીકની એક દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. આ દ્રશ્યમાં આરોપીઓ દ્વારા કેવી ગુંડાગીરી આચરવામાં આવી તે સ્પષ્ટ થાય છે. યુવાન પર કુહાડા વડે કરવામાં આવેલા હુમલાના દશ્યો કંપારી છુટી જાય તેવા છે.