મેરાન્યૂઝ નેટવર્ક.જામનગર: ત્રણ પેટી દારૂમાં વાચેટિયાની ભૂમિકા ભજવનાર એક શખ્સ અને જામનગરના એક મહીલા પીએસઆઈના ઘરે થયેલી વાતચીતનો કથિત ઓડિયો વાયરલ થતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે, આ ઓડિયો સોશિયલ મીડિયામાં પહોંચી ગયા બાદ જીલ્લા પોલીસ વડાએ કોઈ હોહા ન થાય એ અર્થે મહિલા પીએસઆઈ સહીત અન્ય ત્રણ પીએસઆઇની આંતરિક બદલીઓ કરી મામલા પર પડદો પાડવાનો પ્રયાસ કરાયો હોય એવું પોલીસ વિભાગમાં ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ ઓડિયો વાયરલ થયા બાદ મહિલા પીએસઆઈ પણ રજા પર ઉતરી ગયા છે.
કેટલાક ભ્રષ્ટ પોલીસની જ હપ્તા ખાઉં નીતિના કારણે જ રાજ્યમાં દારુનું દુષણ વધ્યું છે. અમુક લાલચુ પોલીસકર્મીઓના કારણે આખી ફોર્સ વર્ષોથી બદનામ થતી આવી છે તો સામે પક્ષે બુટલેગરો પોલીસ પર જીવલેણ હુમલો કરતા પણ અચકાતા નથી તેવા કિસ્સા પણ બન્યા છે એનું એક કારણ આ હપ્તા ખાઉં સીસ્ટમ હોઈ શકે.
જામજોધપુર પોલીસ દફતર હસ્તકનો એક પીએસઆઈ પોતાના પુત્રના જન્મ દિવસની પાર્ટીને મૂકી નજરે ચડેલા બુટલેગરને પકડવા જીવ સટોસટની બાજી લગાવે છે ત્યાં આ જ પોલીસ દફતરની હદમાં આવતા શેઠ વડાળા પોલીસ દફતરના મહિલા પીએસઆઈ ચાંડેરા અને બુટલેગર અને પંટર વચ્ચે દારુ સબંધી અને એક આરોપીના સગળ સબંધિત થયેલ વાતચીતનો કથિત ઓડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઓડિયોમાં જે મહિલા છે તે શેઠ વડાળાના મહિલા પીએસઆઈ છે તેવું સોશ્યલ મીડિયાના મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે. ત્રણ પેટી દારુ પકડાયો ને શરુ થયો પોલીસનો ખેલ, આ પ્રકારણના એક આરોપી પાસેથી એક લાખ રૂપિયાની માંગણી કર્યા બાદ મહિલા પીએસઆઈ કિશન નામના શખ્સને પચાસ આપવાની ફાઈનલ વાત કરે છે. સાથે સાથે મહિલા પીએસઆઈ અન્ય ‘કામ’ આપવાની બાતમી પેટે પ્યાસી કિશનને ‘પુરતો સ્ટોક’ એડવાન્સમાં આપવાની ધરપત પણ આપતા હોવાનો ઓડિયોમાં દાવો કરવામાં આવ્યો છે.
પચાસ હજારમાં સોદો થયા બાદ મહિલા પીએસઆઈએ આ કેશમાં ક્યાય સંડોવણી નહીં થાય તેવી પણ ધરપત આપી હતી. અંતે હું બ્રામણની ભાણેજ છું એમ કહી ગોવિંદ નામના શખ્સને શોધવામાં મદદ કરવામાં સાથ આપવાનો આરોપી કિશન પાસે વાયદો કરાવવામાં આવે છે. ઓડિયોમાં વચ્ચે મહાવીરસિંહ, કિશન, બુટલેગર ગોવિંદ, યોગેશભાઈ, મુખ્ય બુટલેગર અમિતના નામની ચર્ચા થાય છે. આ શખ્સો કોણ છે તે જાણી શકાયું નથી પરંતુ આ શખ્સો પૈકી એક પોલીસ કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઓડિયો વાયરલ થતા જ મહિલા પીએસઆઈ રજા પર ઉતરી ગયા છે, જ્યારે જીલ્લા પોલીસ વડાએ આ ઓડિયો મીડિયા સમક્ષ પહોંચે તે પૂર્વે પાણી પહેલા પાળ બાંધી લઇ આ ઓડિયો જે મહિલા પીએસઆઈ ચાંડેરા સહીત અન્ય ત્રણ પીએસઆઈની આંતરિક બદલી કરવાનો ઓર્ડર કર્યો છે. આ ઓડિયોની સત્યતા જે હોય તે પરંતુ પોલીસની આબરૂ પર જરૂર લાંછન લાગ્યું છે. જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આ ઓડિયો અંગે જાહેરમાં કઈ બોલવા તૈયાર નથી પણ અંદર ખાને તેઓ ઓડિયોની સત્યતા સમર્થન આપે છે અને આ ઓડિયોને કારણે જ મહિલા પીએસઆઈની જામનગર ખાતે મહિલા પોલીસ સ્ટેસનમાં બદલી થઇ હોવાની વાતને પણ સમર્થન આપે છે.