મેરાન્યૂઝ નેટવર્ક, જામનગર: જામનગરમાં આવેલ જી.જી. હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં પ્રસુતિ દરમિયાન એક સગર્ભા મહિલાનું મૃત્યુ નિપજતા ચકચાર મચી ગઇ છે. આ બનાવને લઈને મૃતકના પરિવારજનોએ હોબાળો મચાવી રોષ ઠાલવતા હોસ્પિટલ પ્રશાસન દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસ કમિટી રચી તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.

જામનગરમાં રહેતા ભારતીબેન લોકેશભાઇ ચંદનાની (ઉ.વ.28) ને પ્રસુતિની પીડા ઉપડતા જી.જી.હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબોએ તેણીની પ્રસુતિ કરાવી હતી તંદુરસ્ત બાળકના જન્મ બાદ ભારતીબેનનું મૃત્યું થયું હતું. તબીબોએ ભારતીબેનને મૃત ઘોષિત કરતા હરખાતા હૈયે હોસ્પિટલ આવેલા પતિ સહિતના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ ઘટના તબીબી બેદરકારીના કારણે થઇ છે એમ રોષ જતાવી મૃતક મહિલાના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દેતા તબીબી વર્તુળમાં દોડધામ મચી ગઇ હતી. પરિવારના શોક અને આક્રંદના પગલે હોસ્પિટલ પરિષરમાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં.

આ બનાવ અંગે હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ પણ ગાયનેક વોર્ડમાં દોડી આવ્યા હતાં. હોસ્પિટલ અધ્યક્ષએ આ બનાવમાં તબીબોની બેદરકારી છે કે કેમ? તેનો તાગ મેળવવા તપાસ કરવાની ખાત્રી આપી તપાસ કમિટી રચી તપાસ કરાવવાની ખાતરી આપી હતી. જો કે પરિવારે તાત્કાલીક તબીબી સ્ટાફ સામે પગલા ભરવામાં આવે તેવી માંગણી ચાલુ રાખતા જી.જી.પ્રસાસન દોડતું થયું હતું. આ બનાવની જાણ થતા સીટી બી ડિવિઝન પોલીસ દફતરનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.