મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં મેઇન રોડ પર પાર્ક કરવામાં આવેલ રૂા. 13.85 લાખના પ્લાસ્ટીકના દાણા ભરેલ છ લાખની કિંમતના ટ્રકની કોઇ શખ્સો ચોરી કરીને હંકારી ગયાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે. રિલાયન્સ કંપનીમાંથી દાણા ભરીને રવાના થયેલ ટ્રકના ચાલકને જામનગરમાં રાતવાસો મોંઘો પડ્યો હોવાનું સામે આવ્યું છે. 

જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં મેઇન રોડ પર રાજપાર્ક સામે રીલાયન્સ પેટ્રોલ પંપ નજીક ગત તા. 11 મી ના રોજ રાત્રે નવેક વાગ્યાના સુમારે જી.જે-13-એ.ટી.1494 નંબરનો ટ્રક પાર્ક કરવામાં આવ્યો હતો. રિલાયન્સ કંપનીમાંથી પ્લાસ્ટીક પોલીમરના દાણા ભરી આ ટ્રક દાદરાનગર હવેલીના પાટનગર સેલવાસ ખાતે ધનઉદ્યોગ સહકારી સંઘ લી. કંપનીમાં ખાલી કરવા માટે રવાના થયો હતો. દરમ્યાન ટ્રક ચાલકે ઉપરોકત સ્થળ પર પાર્ક કરી જામનગરમાં રાતવાસો ગુજારવાનો નિર્ણય કર્યો હતો. સવારે ઉઠીને સ્થળે પહોંચેલા ચાલકે જોયું તો 13,85,280 ની કિંમતના 16 ટન પ્લાસ્ટીકના દાણા ભરેલો ટ્રક કોઇ તસ્કરો હંકારી ગયા હતા. રૂા. 6 લાખની કિંમતના ટ્રક અને રૂા. 13.85 લાખના પ્લાસ્ટીકના દાણાની ચોરી થઇ જતાં હરદેવસિંહ ભરતસિંહ ગોહીલે સીટી બી ડિવીઝન પોલીસ દફતરમાં અજ્ઞાત શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે સીટી બી ડિવીઝન પોલીસ દફતરના પી.એસ.આઇ. ડી.જી.ચૌધરી સહિતના સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.