મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગરમાં વધુ એક ધંધાથીએ અન્યના ત્રાસના કારણે જીવાદોરી ટુંકાવી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ટ્રાન્સપોર્ટરે અન્ય ધંધાર્થીઓને આપેલા નાણાં લાંબા સમયથી પરત ફરતા ન હોવાથી તેઓ આર્થિક સંકડામણમાં મુકાઇ ગયા હતાં. આર્થિક ભીંસના ટેન્શનના કારણે તેઓએ પોતાની જ ઓફિસમાં ગળાફાંસો ખાઇ મોત વ્હાલું કરી લીધું છે.

શહેરના પટેલ કોલોની નં. 9 માં રહેતા જયેશભાઇ જેન્તીભાઇ ઉપાધ્યાય (ઉ.વ.55) નામના ટ્રાન્સપોર્ટરે બેડેશ્ર્વર ખાતે આશુતોષ પેટ્રોલ પંપની બાજુમાં આવેલ પોતાની ભગવતી ટ્રાન્સપોર્ટ નામની ઓફીસમાં ગઇકાલે બપોરે બે વાગ્યાથી 6 વાગ્યા સુધીના ગાળા દરમ્યાન ગળાફાંસો ખાઇ લઇ જીવાદોરી ટુંકાવી લીધી છે. સાંજે ઘરે પરત નહીં ફરતા મૃતકના પુત્રએ ઓફિસે તપાસ કરી હતી. જયાં તેઓના પિતા ઓફીસની લાકડાની આડશમાં પ્લાસ્ટીકની દોરીમાં લટકતા જોવા મળ્યા છે. જેને લઇને તેઓએ સીટી બી ડીવીઝન પોલીસે જાણ કરી હતી.

આ બનાવને લઇને બી ડીવીઝનના એ.એસ.આઇ. આર.ડી.આહિર સહિતના સ્ટાફે તુરંત ઘટના સ્થળે પહોંચી જઇ મૃતકનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. મૃતકના પુત્રએ પોલીસમાં આપેલ નિવેદન મુજબ, તેના પિતા જયેશભાઇ ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે આ ધંધા બાબતે અન્ય ભાગીદારો પાસે પૈસાનું રોકાણ કર્યું હતું. આ પૈસા પરત આવતા ન હોવાથી તેઓ સતત ચિંતામાં રહેતા હતાં. આ ટેન્શનના કારણે જ જીવાદોરી ટુંકાવી લીધી છે. બી ડીવીઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.