મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગર શહેર જિલ્લામાં છેલ્લા બે દિવસમાં એકાદ ડઝન દારૂ સંબંધીત દરોડામાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ આજે વહેલી સવારે એલસીબી પોલીસે વિદેશી દારૂનો વિશાળ જથ્થો પકડી પાડયો છે.

ખીજડીયા બાયપાસ નજીક પાયલોટીંગ કરતી કારની પાછળ દારૂ ભરેલો ટ્રક પસાર થવાનો હોવાની ચોક્કસ હક્કિત હોવાની એલસીબીને ખીમભાઇ ભોજીયા અને અશોક સોલંકી સહિતના સ્ટાફને ચોક્કસ હક્કિત મળી હતી. જેના આધારે પી.એસ.આઇ ગોજીયાની આગેવાની હેઠળ સમગ્ર સ્ટાફે ઉપરોકત સ્થળે વોચ ગોઠવી હતી. જેમાં શંકાસ્પદ હાલતમાં પસાર થયેલ સી.એચ. 1 એ. કયુ. 6225 નંબરની કાર અને તેની પાછળના પી.બી.65 એ.ડી. 9025 નંબરના ટ્રકને પોલીસે આંતરી લીધો હતો. આ ટ્રકની તલાસી લેતા અંદરથી રૂા. 22.22 લાખનો 5,555 બોટલ દારૂ અને રૂા. 28,800ની કિંમતના 288 બીયરના ટીન કબ્જે કર્યા હતા.

પોલીસે દારૂ-બીયર ઉપરાંત કાર અને ટ્રક તેમજ રૂા. 1,06,000ની રોકડ સહિત રૂા. 34,36,800નો મુદામાલ કબ્જે કરી સુરેશકુમાર ફતેસિંહ કાદીયાણ રહે. બિહોલી, તા.સમાલખા જી.પાણીપત રાજય હરિયાણા, જ્યોતિન્દ્ર રવિશંકર પાઠક રહે. બોપલ, સ્ટરલીંગ સીટી, પંખીલ બંગલો, સેકટર-એફ.બી. અમદાવાદ, સુરેન્દ્રર તારાચંદ જાટ રહે સિનથરી પામહાઇટસ, સની ઇનકલેવ, મોહાલી, રાજય પંજાબ, આત્માસીંગ દલબીરસીંગ જાટ રહે સુબરાહ ગામ તા.પટ્ટી, જિ.અમૃતસર રાજય પંજાબ અને સંજીવકુમાર નિર્મળસિંગ નાઇ રહે.બડાલી તા.ખરેડ જિ.મોહાલી રાજય પંજાબવાળા શખ્સોની ધરપકડ કરી પંચકોષી ડીવીઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. આ પ્રકરણમાં સપ્લાયાર તરીકે હરિયાણાના અંબાલા બેસ ખાતે રહેતા ગોપાલ રણવીરની સંડોવણી ખુલવા પામી હતી જયારે આ જથ્થો જામજોધપુરના કિશોર ભારા ગઢવીને સપ્લાય કરવાનો હોવાની વિગતો સામે આવી છે. પોલીસે આ બન્ને શખ્સોને ફરાર જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.