મેરાન્યૂઝ નેટવર્ક.જામનગર : જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના મોટા પાંચ દેવડા ગામ નજીક નવાગામ સહકારી મંડળીના મંત્રીની મોટર સાયકલને આંતરી લઇ , અજાણ્યા ત્રણ શખ્સોએ છરીની અણીએ રૂપિયા અઢાર લાખ રૂપિયા ભરેલી બેગ લૂંટી નાશી છુટતા સનસનાટી મચી જવા પામી છે. પોલીસે નાકાબંધી કરી લૂંટારુઓને પકડી પાડવા કવાયત હાથ ધરી હતી. જો કે મોડી રાત સુધી આરોપીઓના કોઈ સગડ સાંપડ્યા ન હતા.

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકા મથક નજીક આવેલ નવા ગામની જય કિશન સેવા સહકારી મંડળી દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ માં આપવામાં આવેલ પાક ધિરાણની ખેડૂત ખાતેદારો પાસેથી વસુલાત કરવામાં આવી હતી. લાખો રૂપિયાની વસુલાત થઇ જતા મંડળીના મંત્રી હસમુખભાઈ જીતુભાઈ રૂડશિયા પોતાનું જીજે ૧૦ એઆર ૫૧૪૦ નંબરની મોટર સાયકલ લઇ રૂપિયા ૧૮ લાખની રોકડ એક થેલામાં ભરી નવાગામ સેવા સહકારી મંડળી માં ભરવા આગળ વધ્યા હતા.

દરમિયાન મોટા પાંચ દેવડા ગામ નજીક જ નવાગામ તરફના રસ્તે સામેથી આવેલ ત્રિપલ સવારી મોટરસાયકલ પર આવેલા શખ્સોએ મંડળીના મંત્રીના બાઈકને આંતરી લીધું હતું. બાઈક પરથી ઉતરેલા એક શખ્સે છરી બતાવી, અન્ય શખ્સે ઢીકા પાટુનો મારમારી મંત્રી પાસેથી રોકડ ભરેલો થેલો આંતરી લીધો હતો અને રોકડની લૂંટ ચલાવી ત્રણેય સખ્સો બાઈક પર નાશી ગયા હતા. આ ઘટનાની મંડળીના મંત્રીએ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. જેને લઈને જામનગર એલસીબી, એસઓજી અને ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે દોડી જઈ ત્વરિત નાશી ગયેલા શખ્સોને પકડી પાડવા કવાયત હાથ ધરી હતી. પોલીસે ગામ નજીકની હોટેલ પરથી સીસીટીવી ફૂટેજ કબજે કર્યા હતા, જેમાં એક શખ્સે મોઢે રૂમાલથી ડૂમો દીધો હતો. અન્ય બે શખ્સોએ ટીશર્ટ પહેર્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે લૂંટારુ શખ્સોને પકડી પાડવા જામનગર પોલીસે નાકાબંધી કરી, રાજકોટ અને જુનાગઢ તથા અમરેલી જીલ્લા પોલીસની પણ મદદ માંગી હતી. જોકે રાત સુધી આરોપીઓના સગડ સાંપડ્યા ન હતા.