મેરાન્યૂઝ નેટવર્ક. જામનગરઃ જામનગરના ખ્યાતનામ ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અંતે પોતાના નવા બંગલામાં રહેવા ચાલ્યો ગયો છે. ત્રણ વર્ષ સુધી ચાલેલા ‘ક્રિકેટ બંગલા’ના બાંધકામ બાદ જાડેજા પરિવાર રહેવા ગયો છે. આ બંગલાના મુખ્ય પ્રવેશદ્વારને રજવાડી ઠાઠ આપવામાં આવ્યો છે. જ્યારે અંદરના કમરાઓમાં દેશ-વિદેશની ઇન્ટીરીયર શોભાયમાન કરવામાં આવ્યું છે.

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પોતાના નવા બંગલામાં શીફટ થઇ ગયો છે. માતા-પિતા સાથે જી.જી. હોસ્પિટલના કવાર્ટરમાંથી શરૂ થયેલી પોતાની આ સફર અંતે પોતાના સ્વપ્નના ઘર સુધી પહોંચી છે. જામનગરના ઝાંઝરમાન ક્રિકેટ બંગલામાં વહાવેલા અપાર પરીશ્રમના સહારે રવિન્દ્ર જાડેજાએ પોતાના ક્રિકેટ કૌશલ્યના સહારે દેશ-વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરી છે. ક્રિકેટ બંગલાથી હંમેશા જોડાયેલા રહેલા જાડેજાએ અપાર કિર્તી પ્રાપ્ત કરી છે ત્યારે આ જ ક્રિકેટ બંગલાને પોતાના સ્વપ્નના ઘરનું નામ આપ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી શહેરના પંચવટી વિસ્તારમાં આકાર લઇ રહેલા ‘ક્રિકેટ બંગલા’નું તાજેતરમાં શાસ્ત્રોકત વિધી દ્વારા વાસ્તુ પુજન પણ કરવામાં આવ્યું હતું.

દરમિયાન આઇપીએલ પુર્ણ થઇ ગયા બાદ રવિન્દ્ર જામનગરમાં છે. ગઇકાલે જાડેજાએ પોતાના સ્વપ્નના ઘરમાં શીફટ થઇ ગયાની પોતાના ફોટા સાથેની ઇમેજ મુકી પોતાના લાખો ચાહકોને આ ખુશીના સમાચાર આપ્યા છે. ‘ક્રિકેટ બંગલા’નો પ્રવેશદ્વારને રજવાડી ઠાઠ અપાયો છે. તો અંદરના 6 થી 7 રૂમમાં દેશના જુદા જુદા રાજ્યોમાંથી તેમજ વિદેશમાંથી પસંદ કરાયેલું ઇન્ટીરીયર લઇ આવવામાં આવ્યું હોવાનું પણ આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે. હાલ રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા, પુત્રી અને પિતા તથા બન્ને બહેનો સાથે નવા બંગલામાં રહેવા ગયો છે. ઉલ્લેખનીય છે કે આઇપીએલ બાદ રવિન્દ્ર જાડેજાની ભારતીય વિદેશ પ્રવાસની ક્રિકેટ ટીમમાં સમાવેશ થયો નથી.