મેરાન્યૂઝ નેટવર્ક, જામનગર: જામનગર તાલુકાના રામપર ગ્રામ પંચાયતના સરપંચ અને તત્કાલીન ઉપસરપંચ સામે નોંધાયેલી 32.77 લાખના ઉચાપતની પોલીસ ફરિયાદ બાદ એક મહિના પછી પંચ કોશી એ ડિવિઝન પોલીસે સરપંચની ધરપકડ કરી છે. એક દાયકામાં સરપંચ અને તેમના જ ઉપસરપંચ પત્ની દ્વારા અમુક કામ કરાયા છે તો અમુક કાગળ પર ઉધારી લઇ સરકારી ગ્રાન્ટની ઉચાપત કરી હતી. પોલીસે સરપંચને કોર્ટ સમક્ષ રજૂ કરી રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પરના રામપર ગામના સરપંચ નારણભાઇ રવાભાઇ શિયાળ અને તેમના પત્ની હિરીબેન વર્ષ 2007 થી 2017ના ગાળા દરમિયાન સરપંચ અને ઉપસરપંચ તરીકેનો કાર્યકાળ ભોગવ્યો છે. આઠ-દશ વર્ષના ગાળા દરમિયાન દંપતિએ સરકારની જુદી જુદી યોજના હેઠળ જુદા જુદા કાર્ય કર્યા હતાં. દરમિયાન ગ્રામપંચાયતના સદસ્યો અને જાગૃત નાગરીકો દ્વારા આ વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની પ્રથમ તાલુકા પંચાયતમાં રજૂઆત કરી હતી. રજૂઆત કરતાઓએ આપેલા પુરાવાઓમાં સરપંચ અને ઉપસરપંચ દંપતિ દ્વારા વિકાસ કાર્યો અધુરા છોડી દઇ અને અમુક કાર્યો તો કર્યા વિના જ કાગળ પર ઉધારી લેવામાં આવ્યા હોવાના દસ્તાવેજી પુરાવા સહિતના સબુતો આપ્યા હતાં. જેને લઇને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જે તે સમયે સરપંચ નારણભાઇને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતાં ત્યારબાદ સરપંચે વિકાસ કમિશ્નર સમક્ષ દાદ માંગી હતી. જેને લઇને વિકાસ કમિશ્નર દ્વારા ફરીથી સરપંચ પદે તેઓને આરૂઢ કરવામાં આવ્યા હતાં.

આ બાબતને લઇને રામપર ગ્રામપંચાયતની સામાજીક ન્યાય સમિતિના ચેરમેન સહિતનાઓ દ્વારા વિધીવત આંદોલન કરવામાં આવ્યા હતાં. અને આત્મવિલોપનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. જેને લઇને તંત્ર દોડતુ થયું હતું અને એક જ સપ્તાહમાં કાર્યવાહી કરવાની ધરપત આપવામાં આવી છે. દરમિયાન ગઇકાલે જામનગર તાલુકા વિકાસ અધિકારી નથુભાઇ જશમતભાઇ બોડાએ સરપંચ અને તેમના પત્ની ઉપસરપંચ સામે પંચકોશી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં છેલ્લા એક દશકાના ગાળા દરમિયાન બન્ને આરોપીઓએ સરકારની જુદી જુદી યોજનાઓના કામ કરી કે નહીં કરી રૂા.32,77,377ની ઉચાપત કર્યાની તાલુકા વિકાસ અધિકારી નથુભાઇ બોડા દ્વારા ગુન્હો નોંધાવવામાં આવ્યો હતો. એપ્રિલ માસના પ્રથમ સપ્તાહમાં નોંધાયેલી આ ફરિયાદ બાદ પંચકોશી એ ડિવિઝનના પીએસઆઇ એચ.બી. ગોહિલ સહિતના સ્ટાફે ગઇકાલે મોડી રાત્રે સરપંચ નારણભાઇ શિયાળની ધરપકડ કરી હતી. આ પ્રકરણમાં રહેલી ભૂમિકાને લઇને પોલીસે સરપંચને કોર્ટ સમક્ષ રજૂ કરી રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. આ જ પ્રકરણમાં સરપંચના તત્કાલીન પત્નીની પણ ધરપકડ થશે એમ પોલીસે જણાવ્યું હતું. ચાલુ પદ પર રહેલા જનપ્રતિનિધિની ધરપકડને લઇને સ્થાનિક રાજકારણ ગરમાયુ છે ત્યારે આ પ્રકરણમાં સરકારી બાબુઓની પણ સંડોવણી છે કે કેમ? તે સ્પષ્ટ થશે.