મેરાન્યૂઝ નેટવર્ક.જામનગર : જામનગર લોકસભા બેઠક અને જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકની ચુંટણી 23મી એપ્રિલએ યોજાનાર છે. ખાસ કરીને જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકની પેટા ચુંટણી માટે અપેક્ષીત કાર્યકરો અને નેતાઓ માટે યોજાયેલી સમન્વય બેઠકમાં જિલ્લા પ્રમુખ સહિતના કેટલાક નેતાઓની સુચક ગેરહાજરીએ ભાજપના વર્તુળમાં જૂથ્થવાદની જવાળા હજુ લબકારા મારતી હોવાનું ચર્ચાય છે. ખાસ કરીને જયારે માર્કેટીંગ યાર્ડની ચુંટણીમાં સામ સામે લડેલા પૂર્વ સાંસદ અને જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ ચંદ્રેશ પટેલ તેમજ જામનગર માર્કેટીંગ યાર્ડના ચેરમેન અને ફરી આ વખત જામનગર ગ્રામ્ય બેઠકની ચુંટણી માટે ભાજપના ઉમેદવાર બનેલા રાઘવજી પટેલ વચ્ચેનો વિવાદ ચુંટણી ટાણે પણ સમ્યો ન હોવાથી ભાજપને નુકસાન પહોંચાડી શકે છે.

જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ રાજીનામુ આપી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. આથી ખાલી પડેલી બેઠકની પેટા ચુંટણી પણ લોકસભાની સાથે 23 એપ્રિલએ યોજાશે. આ ચુંટણી માટે ભાજપે ઉમેદવાર તરીકે રાઘવજી પટેલને મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી છે. આવતીકાલે ધ્રોલમાં નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ સંમેલન યોજાનાર છે. આ સંમેલન સંદર્ભે જામનગર જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે ગઇકાલે અપેક્ષીત આગેવાનો અને કાર્યકરો માટેની એક સમન્વય બેઠક યોજાઇ હતી.

આ મહત્વની બેઠકમાં કોઇ કારણસર જિલ્લા પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલ, મહા મંત્રી ડો.વિનોદ ભંડેરી તથા અન્ય કેટલાક આગેવાનોની ગેરહાજરી જોવા મળી હતી. ચુંટણીના માહોલમાં પ્રમુખ જુથ્થના આગેવાન અને સમર્થકોની ગેરહાજરીને ભાજપના વર્તુળમાં બે નેતાઓ વચ્ચેની લડાઇના ભાગ તરીકે જોવામાં આવે છે. કેમ કે માર્કેટીંગ યાર્ડની ચુંટણીમાં પણ ચંદ્રેશ પટેલ અને રાઘવજી પટેલ પક્ષે કોઇ દરમ્યાનગીરી ન કરતા સામ સામે લડયા હતા. રાઘવજી પટેલની જીત થતા હવે વળતો ઘા કરવાની તક સામેનું જૂથ ઝડપી લેવા માંગતું હોય તેવી ચર્ચા પણ ભાજપના જ વર્તુળમાં થઇ રહી છે.