મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગર શહેરમાંથી નકલી નોટ બનાવવાના રેકેટને પોલીસે ઝડપી લીધું છે. રૂા.2000 ની અને રૂા.500 ની ચલણી નોટ જેવી ડુપ્લીકેટ નોટ છાપીને ચલણમાં ઘુસાડવાના ગુનામાં પોલીસે શહેરના પોશ વિસ્તારમાંથી એક શખ્સને ઝડપી લીધો છે. આ શખ્સની પુછપરછમાં અન્ય શખ્સોની પણ સંડોવણી બહાર આવવાની શકયતા છે.

જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં શેરી નં.9 ના છેડે આવેલ શાસ્ત્રીનગરમાં રહેતા જાહીદ ઉમર શેખ નામના શખ્સના મકાનમાં એલસીબી પોલીસે દરોડો પાડ્યો હતો. આ શખ્સ પોતાના મકાનમાં કલર મશીનરીનો ઉપયોગ કરી ડુપ્લીકેટ નોટ રૂા.2000 અને રૂા.500ની નોટ છાપતો હતો. આ નકલી નોટ તે બજારમાં જુદા-જુદા સ્થળે ઘુસાડતો હતો.

શખ્સના કબજામાંથી રૂા. 2000 ની નકલી નોટો મળી આવી હતી. આ ઉપરાંત રૂા.500 ના દરની નોટો મળી આવતા પોલીસે તે કબ્જે કરી હતી. આ શખ્સ મુળ ખંભાળિયાનો વતની છે અને અગાઉ આફ્રીકા રહી આવ્યો છે. છેલ્લા દસ વર્ષથી જામનગરમાં ત્રણ બત્તી પાસે આવેલી રાજ પેલેસ હોટલમાં હોટેલ મેનેજમેન્ટનું કામ કરતો હતો. આ શખ્સે એકાદ મહિના પહેલા નકલી નોટ બનાવવા માટે કલર પ્રિન્ટર અને સ્કેનર મશીનની ખરીદી કરી હતી. અસલ ચલણી નોટની ઝેરોક્ષ કોપી કરી તે નોટ ઉપરથી જાલી નોટ બનાવી બજારમાં ફરતી કરતો હતો.

આ શખ્સે આપેલી પ્રાથમિક કબુલાત મુજબ છેલ્લા એક માસ દરમ્યાન જામનગરની સુપર માર્કેટ, શાક માર્કેટ તથા પેટ્રોલ પંપમાં તેમજ ફુટની અલગ-અલગ રેકડી વાળાને તથા શ્રાવણ મહિનામાં મેળામાં આવી ડુપ્લીકેટ નોટો વટાવી હોવાનું જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલે જણાવ્યું હતું. આરોપીના કબજામાંથી કુલ રૂા.66500 ની નકલી નોટો કબ્જે કરવામાં આવી છે. આ ષડયંત્રમાં અન્ય કોણ સંડોવાયેલું છે તેની તપાસ માટે આરોપીના રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજુ કરવામાં આવશે.