મેરાન્યૂઝ નેટવર્ક, જામનગર: જામનગર એપીએમસી ખાતે છેલ્લા પાંચ દિવસથી ટેકાના ભાવની મગફળી ખરીદ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અટપટા નિયમો વચ્ચે પાંચ દિવસમાં માત્ર ૫૭ ખેડૂતો જ મગફળી વેચવા ડોકાયા છે. બીજી તરફ ઓછા ભાવ વચ્ચે પણ ખેડૂતોએ ખુલ્લા માર્કેટમાં યાર્ડ છલકાવી દેતા ખરીદ પ્રક્રિયા બંધ રાખવી પડી છે. જ્યારે ત્રીજા દિવસે ટેકાના ભાવની નવી ખરીદી બંધ કરી દેવાતા યોજનાની અમલવારી સામે સવાલો ઉભા થયા હતા. પરંતુ આજે ફરી ખરીદી શરુ કરી દેવામાં આવી છે. પરંતુ નિયમોના નામે તંત્રની આડોડાઈના કારણે ખેડૂતો ટેકાના ભાવથી નદારદ થયા હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે.

જામનગર એપીએમસી ખાતે લાભ પાચમથી ટેકાના ભાવની મગફળી ખરીદી શરુ કરવામાં આવી છે. છેલ્લા ચાર દિવસથી શરુ થયેલ આ પ્રક્રિયા અંતર્ગત માત્ર ૮૦ ખેડૂતોને બોલાવાયા છે. પરંતુ  હજુ ૬૩ પોતાની મગફળી લઇ યાર્ડ પહોચ્યા છે. આ ખેડૂતો પાસેથી ચાર હજાર ગુણી મગફળી ખરીદ કરવામાં આવી છે. હાલ એક ખેડૂત પાસેથી ૭૧ ગુણી મગફળી ખરીદ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી માંત્ર ચાર હજાર ગુણી જ મગફળી ખરીદ કરવામાં આવી છે એમ યાર્ડના વાઈસ ચેરમેન ધીરજ કારીયાએ જણાવ્યું હતું. જામનગર યાર્ડમાં ટેકાના ભાવની ખરીદ પ્રક્રિયાને  ખેડૂતોએ નબળો પ્રતિસાદ આપ્યો છે. જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઈન- ઓફલાઈન નોંધણી, વારાની પળોજણ ખેડૂતોને પરેશાન કરી રહી છે. ટેકાના ભાવની ખરીદ પ્રક્રિયાને સમાંતર જ ખુલ્લા બજારની ખરીદ પ્રક્રિયા પુર જોશમાં ચાલી રહી છે. અત્યાર સુધીમાં યાર્ડમાં ૮૦ હજાર ગુણીની ખરીદી કરવામાં આવી છે. છેલ્લા ચાર દિવસમાં ૨૨૪૦૦ ગુણીનું ખેડૂતો દ્વારા વેચાણ કરવામાં આવ્યું છે. મગફળી સંગ્રહ કરવાની જગ્યા ખૂટી જતા અને સતત ખેડૂતોના પ્રવાહને લઈને હાલ યાર્ડ દ્વારા ઓપન ખરીદી બંધ કરી દેવામાં આવી છે.

ખુલ્લા બજારને ખેડૂતો કેમ પ્રાધાન્ય આપે છે ? ટેકા કરતા ઓછા ભાવ છતાં પણ ખેડૂતો કેમ ખુલ્લા બજારને પ્રાધાન્ય આપે છે? આ બાબતનો તાગ મેળવતા આશ્ચર્યજનક માહિતી સામે આવી હતી. ટેકાના ભાવની ખરીદ પ્રક્રિયામાં વ્યાપક પળોજણ મર્યાદિત મગફળીની ખરીદી નમુના નાપાસ થવાના ભયના કારણે ખેડૂતો વિમુખ બન્યા છે. આજે તંત્ર દ્વારા ૧૦૧ ખેડૂતોને મગફળી લઇ આવવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ સમસ્યાઓને લઈને માત્ર એક જ ખેડૂત મગફળી લઇ યાર્ડ પહોચ્યા હતા. આ ખેડૂતની મગફળીમાં ભેજનું વધુ પ્રમાણ આવતા તેની મગફળી નાપાસ થઇ હતી. બીજી તરફ ઓપન માર્કેટમાં ન નોંધણી કરવાની સમસ્યા કે ન મર્યાદીત જથ્થાનો ભય, અહી તમામ જથ્થાની ખરીદી અને જે તે દિવસે જ વેચાણ પેટેની રકમ મળી જતી હોવાથી ખુલ્લા બજારમાં મગફળી વેચાણ કરી હોવાનું લાલપુર તાલુકાના હરીપર ગામના ખેડૂત રણછોડ પરસાણાએ જણાવ્યું હતું. ટેકાના ભાવની મગફળી ખરીદ પ્રક્રિયામાં વ્યાપક સમસ્યાઓને લઈને આ યોજના સંપૂર્ણ રીતે ફળીભૂત થઇ ન હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. ભારે નીયમવાલીના કારણે ખેડૂતો ખુલ્લા માર્કેટ તરફ દોરાઈ રહ્યા છે. સરકારે ખરેખર આ યોજનાને ખેડૂતલક્ષી બનાવવી  હોય તો તમામ પ્રશ્નનોને ત્વરિત ઉકેલી વિમુખ થતા ખેડૂતોને પરત ટેકાના ભાવની ખરીદ પ્રક્રિયા તરફ વાળવા આગળ આવવું જોઈએ એમ જાણકારોએ મત દર્શાવ્યો છે.

બીજી તરફ જામનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવની મગફળી ખરીદ પ્રક્રિયામાં તંત્ર અને ખેડૂતો આમને સામને આવી ગયા છે. મગફળીમાં જરૂરી માત્રા કરતા વધારે ભેજને કારણે નમુના ફેલ થતા ખેડૂતોમાં નારાજગી છે. વિખવાદ થતા જામનગર ગ્રામ્ય ધારાસભ્યએ પણ દરમિયાનગીરી કરી હતી છતાં પણ સમસ્યા એની એજ રહી હતી. જામનગર માર્કેટિંગ યાર્ડ ખાતે છેલ્લા ચાર દિવસથી ટેકાના ભાવની મગફળી ખરીદી શરુ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં માત્ર ૫૭  ખેડૂતોની મગફળી ખરીદ કરવામાં આવી છે. ધીમી ખરીદ પ્રક્રિયાને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં ૬ ખેડૂતોના નમુનામાં વધારે ભેજ આવતા નમુના રીજેક્ટ કરવામાં આવ્યા હતા.તંત્ર નિયમ મુજબ કામગીરી થતી હોવાનું જામનગર તાલુકા વિકાસ અધિકારી એમ એસ મેરજાએ જણાવ્યું હતું.

બીજી તરફ મગફળીના જથ્થામાં વધારે ભેજના કારણે ખેડૂતો અને તંત્ર દરરોજ વિખવાદ થયા કરે છે. તંત્ર દ્વારા નમુના લઇ ભેજ માપક યંત્રમાં પરીક્ષણ કરવામાં આવે છે. જેમાં વધુ માત્રા આવતા મગફળીનો જથ્થો નાપાસ કરવામાં આવે છે. છેલ્લા ચાર દિવસથી નાપાસ થતા નમૂનાઓને લઈને ખેડૂતો પરેશાન થઇ રહ્યા છે. નાપાસ થતા જ ખેડૂતોને તુરંત મગફળી ઉપાડી લેવાની સુચના આપવામાં આવે છે. જેને લઈને ગ્રામ્ય ધારાસભ્ય પણ યાર્ડ પહોચ્યા હતા અને ખેડૂતોની સમસ્યાઓને તંત્ર સમક્ષ રજુ કરી હતી. ટેકાના ભાવ કરતા ભાવાંતર યોજના અમલી બનાવવાની જરૂરિયાત પર ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ ભાર મુક્યો હતો..

ટેકાના ભાવની ખરીદ પ્રક્રિયામાં મુશ્કેલીઓને લઈને અન્ય ખેડૂતો વિસામણમાં મુકાયા છે. નોંધણી કરી ચૂકેલ ખેડૂતો અહી માલ લઈને આવવો કે નહિ ? એની ચિંતા કરી રહ્યા છે કેમ કે માલ નાપાસ થાય તો આર્થિક ભારણની સમસ્યા ઉભી થશે એવા ભયને લઈને હજુ કતારમાં રહેલ ખેડૂત હિતેશ રવજીભાઈએ  વ્યક્ત કર્યો હતો. ટેકાની ખરીદ પ્રક્રિયામાં રહેલી વ્યાપક ઉણપોના કારણે આ પરિસ્થિતિ નિર્માણ પામી છે. શરૂઆતના તબક્કે સામે આવેલ સમસ્યાઓને તાત્કાલિક ઉકેલવા પ્રયાસો નહિ થાય તો સરકાર તરફનો ખેડૂતોનો વિશ્વાસ તૂટતો જશે. સરકાર દ્વારા સાનુકુળ પરિસ્થિતિનું નિર્માણ થાય તેવા પ્રયાસ કરવા જોઈએ એમ પણ ખેડૂત આગેવાન અરવિંદભાઈ ગજેરાએ જણાવ્યું છે.