મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગર શહેરમાં વકરેલી સ્વાઈન ફલૂની બીમારીએ અજગરી ભરડો લીધો છે. આજે વધુ એક દર્દીએ જીજી હોસ્પિટલના આઇસોલેસન વોર્ડમાં દમ તોડી દેતા સતત પાંચમા દિવસે પાંચમા દર્દીનું મૃત્યુ નિપજયુ છે. સ્વાઈન ફ્લૂની સતત વિસ્તરતી જતી બીમારીને કારણે આરોગ્ય તંત્રની નિષ્ફળતા છતી થઈ છે. રોગચાળાની ગંભીર બની ગયેલી સ્થિતિ સામે તંત્ર માત્ર સર્વે જેવી કાર્યવાહી કરી બેસી રહ્યુ છે. અસરકારક કામગીરી નહીં કરવામાં આવે તો હજુ રોગચાળો એજ ગતિ એ આગળ વધસે અને મૃતયાંકમાં પણ વધારો થશે.

જામનગરમાં છેલ્લા દોઢ માસથી સ્વાઈન ફ્લૂની બીમારીએ માજા મૂકી છે. સતત વકરી રહેલી બીમારી હવે મોતની પ્રયાય બનવા તરફ આગળ વધી રહી છે. દર્દીઓની સતત વધતી સંખ્યાને લઈને ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં પથારીની સંખ્યામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. આ વૈશ્વિક બીમારી એ આજે વધુ એક દર્દીનો ભોગ લીધો છે. જેમાં લાલપુર ગામના નવાપરા વિસ્તારના રહેતા એક 53 વર્ષીય પ્રૌઢ ને સ્વાઇન્ફ્લુના લક્ષણો સાથે જીજી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જ્યાં કરાયેલા પરીક્ષણમાં આ દર્દીનો રિપોર્ટ પોઝીટીવ આવતા સ્વાઈન ફ્લૂની સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ આ સારવાર કારગત નીવડે તે પૂર્વે આજે પ્રૌઢ દર્દીએ દમ તોડી દીધો હતો. બે દિવસની સારવાર બાદ આજે વધુ એક દર્દીનું મૃત્યુ નિપજતા સતત પાંચમા દિવસે પાંચમા દર્દીને સ્વાઈન ફલૂ ભરખી ગયો હોવાનું સામે આવ્યું છે. સતત વધતી જતી મૃતકોની સંખ્યાને લઈને શહેર- જિલ્લામાં ભયનો માહોલ સર્જાયો છે. તો સામે પક્ષે આરોગ્ય તંત્ર રોગ ચાળા ને લઈને માત્ર સર્વે સુધીજ સીમિત રહ્યું છે. આરોગ્ય તંત્ર અસરકારક કામગીરી કરવામાં નિષ્ફળ રહ્યું છે એ વાસ્તવિકતા છે.