મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગર નજીક સિકકા પાટીયા પાસે એલસીબી પોલીસે દરોડો પાડી ગેરકાયદેસર ચાલતુ ઓઇલ કૌભાંડ પકડી પાડયું છે. પોલીસે ફર્નીસ અને ડીજી ઓઇલ, એક ટેન્કર, એક છકડો રિક્ષા સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આ પ્રકારના મૂળ રાજકોટ સાથે જોડાયેલા છે. રાજકોટના નિવૃત પીએસઆઇનો પુત્ર આ પ્રકરણમાં ભાગીદાર હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ શખ્સને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

જામનગર નજીકના સિકકા પાટીયા પાસે અમુક શખ્સો ચોરાઉ ફર્નીસ અને ઓઇલનો ગેરકાયદેસર વેપાર કરતા હોવાની એલસીબી પોલીસ દફતરના રામદેવસિંહ ઝાલા અને નિર્મળસિંહ જાડેજા તથા કમલેશભાઇ રબારીને હકિકત મળી હતી. જેના આધારે સમગ્ર સ્ટાફે લાડા હોટલ પાછળ આવેલ ગેરેજની બાજુના ગોડાઉનમાં દરોડો પાડયો હતો. આ દરોડા દરમિયાન સિકકા ગામે રહેતો બશીર સતાર મુલા નામનો શખ્સ ગેરકાયદેસર ચોરાઉ ઓઇલનો જથ્થો બેરલ અને વાહનમાં ભરી વેચાણ કરતો હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે બશીર ઉપરાંત આ ધંધામાં જોતરાયેલા સાગરીતો ચીમન સનાભાઇ માવી નામના ટેન્કર ડ્રાઇવર અને જામનગરના ગુરૂદ્વારા વિસ્તારમાં રહેતા સુરેશ હરદાસભાઇ ભારાઇને આંતરી લીધા હતાં. પોલીસે સ્થળ પરથી રૂા. 6250ની કિંમતનો બે બેરલ ફર્નીસ ઓઇલનો જથ્થો રૂા.9 લાખની કિંમતના 20 ટન ફર્નીસ ઓઇલ ભરેલ એક ટેન્કર તથા ડીજી ઓઇલનો 450 લીટર જથ્થો ભરેલો એક છકડો રિક્ષા સહિત રૂા.24,81,000નો મુદામાલ પકડી પાડયો હતો. પોલીસે આ પ્રકરણમાં રાજકોટના નિવૃત પીએસઆઇ પુત્ર યુવરાજસિંહ રવુભા ચુડાસમા સંડોવાયો હોવાની પણ વિગતો બહાર આવી છે. આ શખ્સ પાંચ વર્ષ પુર્વે જોડિયા પંથકમાં ખાનગી કંપનીના ટેન્કરોમાંથી ડામર ચોરી કૌભાંડમાં ઝડપાયો હતો. પોલીસે આ શખ્સને ફરાર જાહેર કરી સમગ્ર પ્રકરણ સિકકા પોલીસને હવાલે કર્યુ છે.