મેરાન્યૂઝ નેટવર્ક. જામનગર: જામનગર મહાનગર પાલિકા હસ્તકની આંગણવાડી કેન્દ્રમાં ચાલતા આર્થિક કૌભાંડની ઉઠેલી ફરિયાદો અને આરોગ્ય કેન્દ્રની લોલમલોલના પગલે આજે શહેરના પ્રથમ નાગરિક એવા મેયર અને ડે.મેયર દ્વારા ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આંગણવાડી કેન્દ્ર પર સબસલામત પરંતુ આરોગ્ય કેન્દ્ર પર દવાની અછત હોવાનું સામે આવ્યું હતું.

જામનગરમાં આરોગ્ય શાખા દ્વારા સલામતીના ભાગરૂપે જુદા-જુદા વેપારી કેન્દ્રો પર છેલ્લા એક માસથી દરોડાની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ આ કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. તો બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા ચલાવવમાં આવતા આંગણવાડી કેન્દ્રો અને આરોગ્ય કેન્દ્રોમાં વ્યાપક ગોલમાલ થતી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જેને લઇને આ મુદ્દો વિરોધપક્ષમાં પ્રબળ બને અને જનરલ બોર્ડ સુધી પહોંચે તે પુર્વે પદાધિકારીઓએ ગંભીરતા દાખવી છે.

આજે સવારે મેયર પ્રતિભા કનખરા અને ડે. મેયર ભરત મહેતાએ શહેરમાં આવેલ જુદા-જુદા આરોગ્ય કેન્દ્ર પર તેમજ આંગણવાડી કેન્દ્રો પર દરોડા પાડ્યા હતાં. હાલાર હાઉસ નજીકના અને ગુલાબનગર નજીક આવેલ વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર પર દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં હાલાર હાઉસના કેન્દ્ર પર બ્લડપ્રેશરની દવા હાજર નહીં હોવાનું સામે આવ્યું હતું જેને લઇને મેયરે તાત્કાલીક આરોગ્ય શાખાની દવાની આપુરતી કરવા સ્પષ્ટ આદેશો કર્યા હતાં. તો બીજી તરફ ગુલાબનગર આંગણવાડી ખાતે પણ ચેકીંગ કાર્યવાહી કરવામાં આવી હતી જોકે આ કાર્યવાહી દરમિયાન ઉઠેલી ફરિયાદો સામે તથ્ય બહાર આવ્યું નથી. એમ મેયરે જણાવ્યું હતું. મેયર અને ડે.મેયરની કાર્યવાહીના પગલે મહાનગર પાલિકાના પરીસરમાં તેમજ વહિવટી સ્ટાફમાં દોડધામ સાથે અફરાતફરી મચી જવા પામી હતી.