મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં દૂધની ડેરીમાં ગઈકાલે સાંજે આવેલા એક શખસે દુકાનદારને વસ્તુ લેવાના કામે રોકી થડા પરથી રૂા.14 હજારની રોકડ કાઢી લઈ ચાલતી પકડી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. પોલીસે ગઠિયાને પકડી પાડવા માટે સીસી ટીવી કૅમેરાનો સહારો લઈ શોધખોળ હાથ ધરી છે. જો કે, આ બનાવની હજુ સુધી ફરિયાદ નોંધાવવામાં આવી નથી.

સમગ્ર વેપારી આલમને ચેતવણી આપતો કિસ્સો જામનગરમાંથી સામે આવ્યો છે. શહેરના સાધના કોલોની વિસ્તારમાં રહેતાં અને અહીંની સ્થાનિક વેપારી એસોસિએશનના પ્રમુખ અશોકભાઈ ચાંદ્રા ગઈકાલે રાત્રે પોતાની દૂધની ડેરી બંધ કરવાની તૈયારીમાં હતાં ત્યારે એક શખ્સ ઘોરવું લેવા માટે આવ્યો હતો. દરમિયાન વેપારી અશોકભાઈએ ગ્રાહકના સ્વાંગમાં આવેલા શખ્સ પાસેથી ઘોરવા પેટેના રૂપિયા લઈ પોતે થડા પરથી ઉભા થઈ ઘોરવું લેવા ગયા હતા.

દરમિયાન થડા પર રહેલાં ગઠિયાએ પોતાનો હાથ લાંબો કરીને ખાનું ખોલી લઈ બહારથી જ રોકડ હાથવગી કરી સિફ્તતાપૂર્વક પોતાના ખીસામાં મૂકી દીધી હતી. દરમિયાન દુકાનદારે ઘોરવું આપી દેતાં ગઠિયો ચાલ્યો ગયો હતો. તો બીજી તરફ ખાનું ખોલતાં જ રોકડ રકમ નહીં હોવાનું સામે આવતાં અશોકભાઈએ સીસી ટીવી ચેક કર્યા હતાં. જેમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા શખસની કળા છતી થઈ હતી. જેને લઈને વેપારીએ સિટી ‘એ’ડિવિઝન પોલીસને જાણ કરી હતી. આ ઘટનાને પગલે પોલીસે દુકાને દોડી જઈ સીસી ટીવી ફૂટેજ કબજે કર્યા હતાં અને ફૂટેજમાં દેખાતા ગઠિયાની ભાળ મેળવવા જૂદી-જૂદી દિશામાં તપાસ હાથ ધરી હતી.